<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

આકાશમાં ઇન્‍ડિગોની આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં અચાનક ધુવાણો નિકળતા સેંકડો મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા

રાજકોટમાં ઈમરજન્‍સી લેન્‍ડીંગ દુબઈથી મુંબઈ જઈ રહેલા વિમાનમાં મોટી ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે સમયસૂચકતા વાપરીને રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્‍સી લેન્‍ડિંગ કરાવવાનો લીધો તાકીદનો નિર્ણય

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય હવાઈ સફર દરમિયાન મધ્‍ય આકાશમાં એક હૃદયધબકારો ચૂકવી દે તેવી અત્‍યંત ગંભીર અને ભયાનક ઘટના સામે આવી છે. દુબઈથી ઉડાન ભરીને મુંબઈ તરફ જઈ રહેલી ઇન્‍ડિગો એરલાઇન્‍સની એક ફલાઈટમાં અચાનક જ ધુવાણો નિકળવાની ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ છે. ફલાઈટ હવામાં હતી તે જ સમયે વિમાનમાં ટેકનિકલ કે ફાયર સંબંધિત મોટી ખામી સર્જાઈ હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. આ કટોકટીની સ્‍થિતિમાં મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને પાયલટે તુરંત જ વિમાનને ડાયવર્ટ કરીને ગુજરાતના રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર લેન્‍ડ કરાવવાનો કટોકટીભર્યો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મુસાફરોથી ભરેલી ઇન્‍ડિગો એરલાઇન્‍સની ફલાઈટ નંબર-૬ચ્‍૧૪૫૨ એ નિયત સમય મુજબ દુબઈથી મુંબઈ જવા માટે ટેકઓફ કર્યું હતું. જો કે, સફર દરમિયાન અચાનક જ ફલાઈટમાં અગમ્‍ય કારણોસર આગ લાગતાં કેબિનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાયલટે તાત્‍કાલિક ધોરણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્‍યો હતો અને નજીકમાં જ આવતા રાજકોટ એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત ઈમરજન્‍સી લેન્‍ડિંગ કરાવવા માટેની મંજૂરી માંગી હતી.

આ અતિ ગંભીર ઘટનાની જાણ થતાં જ રાજકોટ એરપોર્ટ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. એરપોર્ટ પર સંભવિત દુર્ઘટનાને ટાળવા અને તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢવા માટે ફાયર ફાઈટરોની ટીમો, એમ્‍બ્‍યુલન્‍સ અને તબીબી કર્મચારીઓ સહિતની આપાતકાલીન સેવાઓ રનવે નજીક તૈનાત કરી દેવામાં આવી છે. વિમાનને સુરક્ષિત રીતે ગ્રાઉન્‍ડ કરવા અને આગ પર કાબૂ મેળવવા માટેની તમામ પ્રક્રિયાઓ અત્‍યારે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

આ લખાય છે ત્‍યારે બધુ હેમખેમ પાર પડતા ફલાઈટ ફરી દુબઈ જવા રવાના થઈ હતી.


 

 

રાજકોટમાં ઇમરજન્‍સી લેન્‍ડિંગની ઘટનાઃ કલેક્‍ટર દ્વારા તબીબોને એલર્ટ રહેવા સૂચના આપી હતી

રાજકોટઃ રાજકોટમાં ઇમરજન્‍સી લેન્‍ડિંગની એક ગંભીર ઘટનાને પગલે વહીવટી તંત્ર તાત્‍કાલિક હરકતમાં આવ્‍યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને રાજકોટ કલેક્‍ટર દ્વારા આરોગ્‍ય વિભાગ અને તબીબોની ટીમને એલર્ટ મોડ પર રહેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાના ભાગરૂપે બપોરે અંદાજે ૩:૧૫ વાગ્‍યાની આસપાસ શહેરના અગ્રણી તબીબોને મેસેજ મોકલીને તેમની ઇમરજન્‍સી મેડિકલ ટીમો તૈયાર રાખવા જણાવાયું હતું.

તંત્ર તરફથી મેસેજ મળતા જ ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન (IMA) રાજકોટના પ્રમુખ ડો. તેજસ કરમટા અને ડો. જયેશ ડોબરીયા સહિત તેમની સમગ્ર તબીબી ટીમે ત્‍વરિત કામગીરી હાથ ધરી હતી. કોઈપણ પ્રકારની કટોકટી કે મેડિકલ ઇમરજન્‍સીને પહોંચી વળવા માટે હોસ્‍પિટલ સ્‍ટાફ, એમ્‍બ્‍યુલન્‍સ અને મેડિકલ સુવિધાઓ સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું તબીબી આગેવાનો દ્વારા જણાવાયું હતું.

(4:16 PM IST)