તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ચાઇનાના જોહુકમી સામે ઇન્ડોનેશિયા એક્શન મોડમાં: ભારત પાસેથી બ્રહ્મોસ અને એસ્ટ્રા મિસાઇલો ખરીદવા તત્પર
દક્ષિણ ચીન સમુદ્ર અને નટુના ટાપુઓ પર ડ્રેગનની ઘૂસણખોરીથી ગિન્નાયેલા જકાર્તાએ તટસ્થતા છોડી: ફ્રાન્સ પાસેથી રાફેલ, તુર્કી સાથે ફાઇટર જેટ ડિલ અને યુએસ-ભારત સાથે સંરક્ષણ જોડાણ મજબૂત કર્યું

નવી દિલ્હી: દક્ષિણપૂર્વ એશિયાના ભૂરાજનીતિમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા અત્યાર સુધી ચીન સાથે આર્થિક સોદાઓ અને સંતુલન જાળવવાની રાજનીતિ કરતો હતો, પરંતુ દક્ષિણ ચીન સમુદ્ર અને નટુના ટાપુઓના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન માં ચીની નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની સતત વધી રહેલી ઘૂસણખોરીથી કંટાળીને જકાર્તાએ પોતાની લશ્કરી શક્તિ વધારવાનું શરૂ કર્યું છે. આ વ્યૂહાત્મક ફેરફાર હેઠળ ઇન્ડોનેશિયા ભારત પાસેથી ઘાતક બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ અને એર-ટુ-એર એસ્ટ્રા મિસાઇલ ખરીદવા માટે ભારે રસ દાખવી રહ્યું છે.
ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો દ્વીપસમૂહ ધરાવતો દેશ છે, જેની વિદેશ નીતિ હંમેશા મુક્ત અને બિન-જોડાણવાદી રહી છે. જોકે, ચીનની કહેવાતી 'નાઇન-ડેશ લાઇન' ઇન્ડોનેશિયાના ઉત્તર નટુના સમુદ્રી વિસ્તાર પર અતિક્રમણ કરતી હોવાથી અને બેઇજિંગના માછીમારી જહાજો સતત ગેરકાયદે ઘૂસણખોરી કરતા હોવાથી જકાર્તાએ પોતાની નૌકાદળ અને વાયુસેનાને આધુનિક બનાવવાનો નિર્ણય લીધો છે. ભારતીય સંરક્ષણ સાધનો ઉપરાંત, ઇન્ડોનેશિયા ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ અને સબમરીન મેળવી રહ્યું છે, જ્યારે તુર્કી પાસેથી ૪૮ KAAN ફાઇટર જેટ ખરીદવા માટે કરાર કર્યા છે. આ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી પણ સંરક્ષણ સામગ્રી ખરીદવાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, ચીન સાથે દરિયાઈ સીમા અંગે તણાવ હોવા છતાં ઇન્ડોનેશિયાએ પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખી છે. તે કોઈ ચોક્કસ લશ્કરી જૂથમાં જોડાવાને બદલે ચાઇનીઝ J-10 ફાઇટર જેટ ખરીદવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખીને તમામ મહાસત્તાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, વર્તમાન સંજોગોમાં ચીનના વધતા જતા આક્રમક વલણને ડામવા માટે પોતાની દરિયાઈ સરહદો અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા માટે જકાર્તા ઝડપથી પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરી રહ્યું છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
