તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Wednesday, 13th May 2026
સોનાની આયાત જકાતમાં તોતિંગ વધારાથી ઉદ્યોગ જગત ચિંતિત: 'જકાત વધશે તો દાણચોરી ફાટી નીકળશે', એક્સપોર્ટ કાઉન્સિલની સરકારને ગંભીર ચેતવણી
સોનાના ભાવ બમણા થયા છતાં આયાત ઘટતી નથી; સરકારના નિર્ણયથી MSME એકમો અને નિકાસકારોની હાલત કફોડી થશે, જાણો શું કહે છે નિષ્ણાતો

મુંબઈ, તા.૧૩: ભારત સરકાર દ્વારા વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સોના અને ચાંદી પર આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યુટી) માં કરેલા ધરખમ વધારા બાદ હવે જ્વેલરી ઉદ્યોગમાં ચિંતાના વાદળો છવાયા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ ચેતવણી આપી છે કે સરકારનો આ નિર્ણય સોનાની આયાત ઘટાડવામાં નિષ્ફળ જશે અને ઉલટાનું દેશમાં સોનાની દાણચોરી (Smuggling) માં મોટો ઉછાળો લાવી શકે છે.
જકાત વધશે પણ આયાત નહીં ઘટે: કાઉન્સિલનો તર્ક
કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ભૂતકાળનો અનુભવ દર્શાવે છે કે આયાત જકાતમાં વધારો કરવાથી સોનાની માંગમાં ખાસ ઘટાડો થતો નથી, માત્ર કિંમતોમાં જ તોતિંગ વધારો થાય છે. તાજેતરના વર્ષોમાં સોનાના ભાવ બમણા થઈ ગયા હોવા છતાં, ભારતની સોનાની આયાત ૨૦૨૫-૨૬માં ૨૪ ટકા વધીને ૭૧.૯૮ બિલિયન ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે. કાઉન્સિલે સરકારને વિનંતી કરી છે કે માત્ર કર વધારવાને બદલે તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરી ટકાઉ ઉકેલ લાવવો જોઈએ.
નિકાસકારો અને નાના ઉદ્યોગો પર 'બેંક ગેરંટી'નો બોજ
આયાત જકાતમાં વધારાને કારણે સોનાના નિકાસકારો માટે મુશ્કેલીઓ વધી છે. હવે નિકાસકારોએ ડ્યુટી-ફ્રી સોનું મેળવવા માટે પ્રતિ કિલોગ્રામ ₹૨૮ થી ૩૦ લાખની બેંક ગેરંટી આપવી પડશે. આનાથી નિકાસકારોની કાર્યકારી મૂડી (Working Capital) બ્લોક થઈ જશે, જેની સીધી અસર વેપાર પર પડશે. ખાસ કરીને જ્વેલરી ક્ષેત્રના ૮૦ ટકા સભ્યો જે MSME (નાના અને મધ્યમ ઉદ્યોગો) હેઠળ આવે છે, તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
PM ની અપીલ અને વધતી ડ્યુટી: અર્થતંત્ર પર શું થશે અસર?
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ દેશના હિતમાં વિદેશી હૂંડિયામણ બચાવવા માટે નાગરિકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા વિનંતી કરી હતી. ત્યારબાદ સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટી ૫% થી વધારીને ૧૦% અને કૃષિ ઉપકર ૧% થી વધારીને ૫% કરી દીધો છે. એટલે કે હવે સોના પર કુલ જકાતનો બોજ વધી ગયો છે. સોનું ભારતની આયાત યાદીમાં સૌથી મોટો ખર્ચ ધરાવતી જણસી છે, ત્યારે સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચેનો આ ગજગ્રાહ બજારમાં કેવો વળાંક લે છે તે જોવું રહ્યું.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
