News of Sunday, 11th October 2026
તહેવારોમાં વાહનચાલકોને મોંઘવારીનો ડામ: નાયરા બાદ હવે Jio-bpએ પણ સટાસટ વધાર્યા ઇંધણના ભાવ
ખાનગી પેટ્રોલ પંપ પર પેટ્રોલ રૂ.5 અને ડીઝલ રૂ.3 મોંઘું, દૈનિક મુસાફરો તથા પરિવહન ક્ષેત્રે મોટો આર્થિક ફટકો

જયપુર: તહેવારોની સિઝન ટાણે જ રાજસ્થાનના વાહનચાલકો માટે મોંઘવારીનો મોટો ઝટકો સામે આવ્યો છે, જ્યાં ખાનગી ઇંધણ કંપની Jio-bp દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે નવા દરો 11 ઓક્ટોબર 2026થી લાગુ કરી દેવાયા છે. આ નિર્ણયને કારણે ખાનગી પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરાવતા હજારો વાહનચાલકોનો રોજિંદો ખર્ચ અચાનક વધી ગયો છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં Jio-bpના પેટ્રોલ પંપ પર અગાઉ પેટ્રોલનો ભાવ 108.91 રૂપિયા પ્રતિ લિટર હતો, જે વધીને હવે 113.91 રૂપિયા પહોંચી ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ 94.15 રૂપિયાથી વધીને 97.15 રૂપિયા પ્રતિ લિટર થયો છે. અહેવાલો અનુસાર, સમગ્ર રાજસ્થાન રાજ્યમાં આ કંપનીના 200થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે, જ્યાં આ નવા ભાવવધારાની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.
જિયો-બીપી પહેલાં અન્ય એક ખાનગી ઇંધણ કંપની નાયરા એનર્જી (Nayara Energy) દ્વારા પણ પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો હતો. આમ, એક પછી એક ખાનગી તેલ કંપનીઓ દ્વારા ભાવ વધારવામાં આવતા વાહનચાલકોની ચિંતામાં મોટો વધારો થયો છે, જોકે રાહતની વાત એ છે કે સરકારી તેલ કંપનીઓના પેટ્રોલ પંપ પર આ પ્રકારનો સમાન ભાવવધારો લાગુ કરવામાં આવ્યો નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો વધી રહી હોવાથી ખાનગી કંપનીઓના સંચાલન ખર્ચ પર ભારે દબાણ સર્જાયું હોવાનું માનવામાં આવે છે. ઇંધણ મોંઘું થવાથી દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો, ટેક્સી ચાલકો અને માલસામાનના પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓનો ખર્ચ વધશે, જેથી આગામી દિવસોમાં મોંઘવારી અને વાહન વ્યવહારના ભાડાં પર તેની શું અસર પડે છે તે જોવાનું રહેશે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
