News of Tuesday, 27th October 2026
કૂનો નેશનલ પાર્ક નજીક મળેલ ઘાયલ ચિતાનું મોત :શરીરમાંથી 5 બંદૂકના છરા મળ્યા :તપાસ માટે ટાસ્કફોર્સની રચના
શરીરમાં ઘૂસેલા બંદૂકના છરાના કારણે ચિત્તાના આંતરિક અંગો, સ્નાયુઓ, હાડકાં અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચ્યું :સમગ્ર મામલાની તપાસ કરવા માટે વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના

મધ્યપ્રદેશના શ્યોપુર વિસ્તારના જંગલમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા 19 મહિનાના નર ચિત્તા KNG22નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 25 ઓક્ટોબરના રોજ શ્યોપુર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના કમ્પાર્ટમેન્ટ નંબર 748માંથી આ ચિત્તો ઘાયલ સ્થિતિમાં મળી આવ્યો હતો. તાત્કાલિક સર્જરી કરીને તેના શરીરમાંથી બંદૂકના 5 છરા બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે તેને બચાવી શકાયો નથી. રાજ્ય સરકારે આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી છે
પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. સમીતા રાજોરાના જણાવ્યા અનુસાર, 25 ઓક્ટોબરના રોજ 19 મહિનાનો નર ચિત્તો ઘાયલ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. શરૂઆતના એક્સ-રે રિપોર્ટમાં ચિત્તાના શરીરના જુદા-જુદા ભાગોમાં બહારની શંકાસ્પદ વસ્તુઓ હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે તબીબી નિષ્ણાતોની સલાહ લઈને સારવાર શરૂ કરવામાં આવી હતી.
નિષ્ણાતોના માર્ગદર્શન બાદ ચિત્તાને વધુ ઊંડાણપૂર્વકની તપાસ અને સઘન સારવાર અર્થે જબલપુર ખાતે આવેલી નાનાજી દેશમુખ પશુ ચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના સર્જરી અને રેડિયોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં કરવામાં આવેલા સીટી સ્કેન પરથી સ્પષ્ટ થયું કે શરીરમાં ઘૂસેલા બંદૂકના છરાના કારણે ચિત્તાના આંતરિક અંગો, સ્નાયુઓ, હાડકાં અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચ્યું હતું.
સ્થિતિ અત્યંત નાજુક હોવાથી ડૉક્ટરોએ તાબડતોબ ઈમરજન્સી સર્જરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન ચિત્તાના શરીરમાંથી બંદૂકના 5 છરા બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓ અને આંતરિક અંગોને થયેલા ભારે નુકસાનના કારણે વેટરનરી ડૉક્ટરોની ટીમના પ્રયાસો છતાં ચિત્તાનો જીવ બચાવી શકાયો નહોતો.
ચિત્તાના મોતના પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે. ચિત્તા પર ગોળી કોણે ચલાવી, કયા સંજોગોમાં ફાયરિંગ થયું અને આ શિકારનો પ્રયાસ હતો કે કેમ, તે તમામ બાબતોની તપાસ આ ટીમ કરશે. હાલ વન વિભાગ તરફથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને સમગ્ર વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. વન વિભાગના સત્તાવાર નિવેદન મુજબ, KNG22ના મોત બાદ હવે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા ઘટીને 58 થઈ ગઈ છે. હાલ દેશમાં બચેલા ચિત્તાઓ પૈકી 52 ચિત્તા કૂનો નેશનલ પાર્કમાં, 4 ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં અને 2 વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાં વસવાટ કરી રહ્યા છે
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
