News of Thursday, 7th May 2026
મોતના મુખમાંથી ઉગારાયો માસૂમ: ઓડિશામાં પથ્થરોની સાંકડી તિરાડમાં ફસાયેલા ૧૪ વર્ષના કિશોરને ૭ કલાકના હાઈ-રિસ્ક રેસ્ક્યુ બાદ જીવતદાન!
મધ એકઠું કરવા ગયેલા શિબા પ્રધાનનો પથ્થરની ફાટમાં ફસાયું હતું માથું, હાઈડ્રોલિક જેક અને અત્યાધુનિક મશીનરી વડે જિંદગીનો જંગ જીતાયો: મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બચાવ ટુકડીની બહાદુરીને બિરદાવી

નયાગઢ : ઓડિશાના નયાગઢ જિલ્લાના કાનીપાડા જંગલમાં આજે કુદરત અને માનવીય સાહસ વચ્ચેનો જંગ જોવા મળ્યો હતો. મધ એકઠું કરવા ગયેલો ૧૪ વર્ષનો માસૂમ શિબા પ્રધાન કલાકો સુધી પથ્થરોની ભયાનક તિરાડમાં ફસાઈ રહ્યો હતો. ૭ કલાક સુધી ચાલેલી અત્યંત જોખમી અને જટિલ બચાવ કામગીરી બાદ આખરે ફાયર સર્વિસ અને ઇમરજન્સી ટીમે તેને સુરક્ષિત બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.
મધ લેવા જવું પડ્યું ભારે
કાનીપાડા ગામનો રહેવાસી શિબા પ્રધાન પોતાની આજીવિકા માટે જંગલમાં મધ એકઠું કરવા ગયો હતો. આ દરમિયાન અચાનક લપસી જવાથી તે બે વિશાળ પથ્થરોની વચ્ચે આવેલી સાંકડી ફાટમાં પડી ગયો હતો. દુર્ભાગ્યવશ તેનું માથું પથ્થરના ઊંડા ખાંચામાં એવી રીતે ફસાઈ ગયું કે તે હલનચલન પણ કરી શકતો નહોતો. પાંચ કલાક સુધી એકલા સંઘર્ષ કર્યા બાદ આસપાસના ગ્રામજનોની નજર તેના પર પડી અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી.
સાપનો ડર અને પથ્થરો ધસી પડવાનું જોખમ
સૂચના મળતા જ ઓડગાંવ અને નયાગઢની ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આ રેસ્ક્યુ ઓપરેશન અત્યંત જોખમી હતું કારણ કે પથ્થરો અસ્થિર હતા અને સહેજ પણ ભૂલ થાય તો તે કિશોર પર ધસી પડે તેમ હતા. જંગલનો વિસ્તાર હોવાથી ઝેરી સાપનો પણ ભય હતો. રેસ્ક્યુ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે, "અમે સતત પથ્થરો પડવાના ડર હેઠળ કામ કરી રહ્યા હતા, પરંતુ અમારો ઉદ્દેશ્ય બાળકને કોઈપણ ઈજા વગર બહાર કાઢવાનો હતો."
ટેકનોલોજી અને હિંમતનો સંગમ
કિશોરને મુક્ત કરવા માટે બચાવ ટુકડીએ હાઈડ્રોલિક જેક સિસ્ટમ અને ખાસ પ્રકારની મશીનરીનો ઉપયોગ કર્યો હતો. પથ્થરોને ધીમે ધીમે ઊંચકીને જગ્યા બનાવવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન બચાવકર્તાઓ શિબા સાથે સતત વાતો કરતા રહ્યા જેથી તે ગભરાઈ ન જાય અને ભાનમાં રહે. આખરે ૭ કલાકની મહેનત બાદ શિબાને પથ્થરોના શિકંજામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ બચાવ ટુકડીને બિરદાવી
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ સફળ ઓપરેશનની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે ફાયર અને ઇમરજન્સી સેવાઓના જવાનોની અદમ્ય હિંમત અને વ્યાવસાયિક કુશળતાના ભારોભાર વખાણ કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, "ભારે જોખમ હોવા છતાં આપણી ટીમોએ જે રીતે આ કિશોરને સુરક્ષિત બચાવ્યો છે તે કાબિલે તારીફ છે." સોશિયલ મીડિયા પર પણ લોકો આ બહાદુર જવાનોની ભારે પ્રશંસા કરી રહ્યા છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
