તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
સાયબર ઠગોની અવનવી ચાલબાજી: વોટ્સએપ પર આવેલા મેસેજનો 'NO'માં ઉત્તર આપતાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બેન્ક ખાતામાંથી ₹૧.૭૦ લાખ ગાયબ થઈ ગયા
ઓટીપી આપ્યા વિના, કોઈ લિંક ખોલ્યા વિના કે કોઈ થર્ડ પાર્ટિ એપ ઈન્સ્ટોલ કર્યા વગર ખાતામાંથી નાણાં સગેવગે થઈ જતાં પોલીસ તપાસમાં મોટો વળાંક અને ટેકનિકલ નિષ્ણાતોમાં અચરજ

લખનઉ ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષાના તમામ દાવાઓ વચ્ચે સાયબર ક્રાઈમ ક્ષેત્રે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે બેન્કિંગ ફ્રોડમાં ઓટીપી શેર કરવો અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું મુખ્ય કારણ બનતું હોય છે. પરંતુ, ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે રહેતા અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) એવા વ્યક્તિ સાથે એક અનોખી મોડસ ઓપરેન્ડી દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે. તેમણે માત્ર એક વોટ્સએપ મેસેજનો જવાબ 'NO' આપીને મોકલ્યો અને ક્ષણોમાં જ તેમના બે જુદા જુદા બેન્ક ખાતાઓમાંથી રૂ. ૧.૭૦ લાખની રકમ ઉપડી ગઈ.
ડર બતાવીને શિકાર બનાવવાની સાયબર ઠગોની સોશિયલ એન્જિનિયરિંગ પેટર્ન
ઘટનાની વિગતો અનુસાર, પીડિત સીએના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ પ્રાપ્ત થયો હતો. તે મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના બેન્ક ખાતામાંથી રૂ. ૯૦,૦૦૦ ઉપડી ગયા છે. તેની સાથે સૂચના અપાઈ હતી કે જો આ ટ્રાન્ઝેક્શન તેમણે નથી કર્યું, તો તુરંત 'NO' લખીને રિપ્લાય કરે. અચાનક આવેલી આ ચેતવણીથી ઘભરાઈને સીએ એ ટ્રાન્ઝેક્શન કેન્સલ કરાવવાના આશયથી વળતો રિપ્લાય ટાઈપ કરીને 'NO' મોકલી આપ્યો હતો.
વોટ્સએપ પર આ ઉત્તર આપ્યાના તુરંત બાદ, પીડિતના આઈસીઆઈસીઆઈ (ICICI) બેન્ક અને ઈન્ડસઈન્ડ (IndusInd) બેન્કના ખાતાઓમાંથી તબક્કાવાર નાણાં કપાયા હોવાના સત્તાવાર મેસેજ આવવા લાગ્યા હતા. બંને ખાતાઓમાંથી થઈને કુલ ₹૧,૭૦,૦૦૦ની રકમ ઉપાડી લેવામાં આવી હતી. કોઈ પણ ગોપનીય પાસવર્ડ કે કોડ શેર ન કર્યા હોવા છતાં આ પ્રકારે નાણાં ગાયબ થતાં પીડિતે તાત્કાલિક સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ અને નિષ્ણાતોનું વિશ્લેષણ
લખનઉના એડિશનલ ડીસીપી (ક્રાઈમ) કિરણ યાદવના જણાવ્યા મુજબ, આ કેસમાં ફરિયાદ દાખલ કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક અનુમાન મુજબ, સાયબર ગુનેગારોએ યુઝરને ભયમાં મૂકીને વળતો મેસેજ મોકલવા મજબૂર કર્યા હતા. આ સિવાય, મેસેજ સાથે કોઈ બેકગ્રાઉન્ડ માલવેર કે ઓટો-એક્ઝિક્યુટ થતી સ્ક્રિપ્ટ જોડાયેલી હોવાની શક્યતા અંગે પણ ટેકનિકલ ટીમો તપાસ કરી રહી છે.
બીજી તરફ, સાયબર સિક્યોરિટી નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ટેક્સ્ટ રિપ્લાય આપવાથી સિસ્ટમ હેક થવી ટેકનિકલી મુશ્કેલ છે. તેથી, પીડિતના ડિવાઈસ, વોટ્સએપ ચેટ ફોરેન્સિક અને ટ્રાન્ઝેક્શન લોગ્સની સંપૂર્ણ તપાસ બાદ જ આ નવીનતમ ઠગાઈની સાચી ટેકનીક સ્પષ્ટ થઈ શકશે.
ગ્રાહકો માટે મહત્વની સાવચેતી:
અજાણ્યા નંબર પરથી આવતા નાણાકીય લેવડ-દેવડના મેસેજ પર સીધો રિપ્લાય આપવાનું ટાળવું.
ખાતાનું બેલેન્સ ચકાસવા માટે માત્ર બેન્કની અધિકૃત એપ્લિકેશન કે નેટબેન્કિંગનો જ ઉપયોગ કરવો.
કોઈપણ શંકાસ્પદ ઘટના બને તો તાત્કાલિક બેન્કને જાણ કરી નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરવો.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
