તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પાછળની Inside Story: શિક્ષણ મંત્રાલયના બંધ બારણે આખરે શું ખેલાયો મોટો ખેલ?
PM મોદીની અંગત છબી અને ૨૦૨૯ની ચૂંટણીની રણનીતિ: અમિત શાહ પોતે રાત્રે પ્રધાનના બંગલે પહોંચ્યા, અડધો કલાકની ગુપ્ત બેઠક બાદ લેવાયો ધડાકાભર્યો નિર્ણય!

નવી દિલ્હી : NEET પેપર લીક વિવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અચાનક રાજીનામા અને ત્યારબાદ CJP (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત પાછળનું મોટું રાજકીય ક્ષેત્ર અને ઇનસાઇડ સ્ટોરી હવે સામે આવી છે. ૫૦ દિવસથી વધુ સમયથી ચાલી રહેલા આંદોલનમાં યુવાનો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ હતા. આ સ્થિતિમાં સરકાર સાથેની પ્રથમ બેઠક બાદ જ કેન્દ્રીય નેતૃત્વને સ્પષ્ટ સંકેત મળી ગયો હતો કે શિક્ષણ મંત્રીના રાજીનામા વિના વિદ્યાર્થીઓ પીછેહઠ કરવા તૈયાર નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિંતા હતી કે આ વ્યાપક વિદ્યાર્થી આંદોલન તેમની અંગત છબીને નુકસાન પહોંચાડી શકે છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર યુવાનો પ્રત્યે અસંવેદનશીલ કે બેદરકાર છે તેવો કોઈ પણ નકારાત્મક સંદેશ જાય તેવું વડાપ્રધાન ઈચ્છતા નહોતા. આ રાજકીય રણનીતિના ભાગરૂપે જ શુક્રવારે મોડી રાત્રે ધર્મેન્દ્ર પ્રધાને પદ છોડવાના સંકેત આપી દીધા હતા અને શનિવારે સવારે ૯ વાગ્યે પોતાનું ત્યાગપત્ર મોકલી આપ્યું હતું.
આ રાજીનામાની જાહેરાત સોશિયલ મીડિયા પર થાય તે પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહ પોતે ધર્મેન્દ્ર પ્રધાનના સરકારી આવાસ પર પહોંચ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે અડધો કલાક સુધી બંધ બારણે મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો હતો. આ જ ઘટનાક્રમ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ અચાનક દિલ્હી પહોંચ્યા હતા અને ભાજપ હાઈકમાન્ડ સાથે ૩ કલાક સુધી ગુપ્ત મંત્રણા કરીને મુંબઈ પરત ફર્યા હતા, જેનાથી અનેક રાજકીય અટકળો વહેતી થઈ છે.
સરકાર અને CJP વચ્ચે યોજાયેલી ત્રણ તબક્કાની બેઠકો બાદ આંદોલનનો અંત આવ્યો છે. પ્રથમ બેઠકમાં સરકારે ત્રણમાંથી બે માંગણીઓ પર હકારાત્મક વલણ દાખવ્યું હતું. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પોતે CJP ના નેતાઓ સાથે વાતચીતની કમાન સંભાળી હતી. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સામેના કેસો પાછા ખેંચવા અને પીડિત પરિવારોને વળતર આપવાની માંગ સ્વીકારાતાં જ આખરે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
