તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
‘દ્રશ્યમ' ફિલ્મથી પ્રેરાઈને મિત્રોએ જ સગીરની હત્યા કરી શબને પેટ્રોલ રેડી સળગાવી દીધું...
બર્થડે પાર્ટી અને બાઈક ખરીદવા બે સગીરે ભયાનક ગુનો આચર્યોઃ મૃતકની સોનાની ચેનથી સપના સાકાર કરવાનો બન્નેનો મનસૂબો હતો

મુંબઈ,તા.૧૭: જન્મદિનની ઉજવણી કરવા અને બાઈક ખરીદવા સગીર વયના બે છોકરાએ શાળામાં સાથે ભણનારા જિગરજાન મિત્રને બેરહેમીથી પતાવી નાખ્યો હોવાની આંચકાજનક ઘટના થાણેમાં બની હતી. સુપરહિટ ફિલ્મ ‘લ્લશ્યમ'થી પ્રેરાઈને બન્ને સગીરે બીજે દિવસે મિત્રના મૃતદેહને પેટ્રોલ રેડી સળગાવી દીધો હતો અને તેનો મોબાઈલ એક બસ પર ફેંક્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ થાણેના આઝાદનગર પરિસરમાં રહેતા ચંદ્રકાંત કાંબળેનો ૧૭ વર્ષનો દીકરો પ્રજ્યોત કાંબળે ૨૪ સપ્ટેમ્બરની સાંજે ઘરેથી ગયા પછી પાછો ફર્યો નહોતો.
આસપાસના પરિસરમાં શોધખોળ કર્યા પછી કાસારવડવલી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ કેસમાં પોલીસે તપાસ બાદ ૧૦મા ધોરણ સુધી પ્રજ્યોત સાથે એક જ ક્લાસમાં ભણનારા બે મિત્રને તાબામાં લીધા હતા. પકડાયેલા બન્ને મિત્ર પણ સગીર વયના હોવાથી તેમને ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયા હતા.અધિકારીએ જણાવ્યું હતું કે પ્રજ્યોત સંબંધી માહિતી મેળવવા માટે તેના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
તે સમયે એક મિત્રએ ચાલાકીપૂર્વક લાગણીશીલ હોવાનું દર્શાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પોતાના પર શંકા ન જાય તે માટે પોતે ખૂબ જ દુઃખી હોવાનો મિત્રએ ઢોંગ કર્યો હતો. રાતે આઠ વાગ્યાની આસપાસ પ્રજ્યોતને અજાણ્યા યુવક સાથે બ્રહ્માંડ સર્કલ સામેના રોડ પરથી સ્કૂટી પર જતા જોયો હોવાનું જુઠ્ઠાણું પણ મિત્રએ ચલાવ્યું હતું.જોકે પોલીસે સંબંધિત માર્ગ પરના ૮૦થી ૯૦ સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં ક્યાંય પ્રજ્યોત સ્કૂટી પર જતો દેખાયો નહોતો. પરિણામે પોલીસને તેના મિત્ર પર શંકા ગઈ હતી. આખરે પોલીસે પ્રજ્યોતની સાથે તેના બન્ને મિત્રના મોબાઈલ ફોનના કોલ ડેટા રેકોર્ડ તપાસ્યા હતા.
ટેક્રિકલ બાબતોનો અભ્યાસ કરી બન્ને સગીરને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં બન્ને સગીરે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. સગીરે દર્શાવેલા સ્થળે જઈ પોલીસે પ્રજ્યોતના અર્ધબળેલા શબને તાબામાં લીધું હતું અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એક મિત્રને તેના જન્મદિનની પાર્ટી આપવી હતી, જ્યારે બીજાને બાઈક ખરીદવી હતી. આ માટે તેમને રૂપિયાની જરૂર હતી. પ્રજ્યોત ગળામાં સોનાની ચેન પહેરતો હોવાથી બન્ને મિત્રની ચેન પર નજર હતી. ઘટનાની રાતે સિગારેટ ફૂંકવાને બહાને પ્રજ્યોતને બ્રહ્માંડ ફેઝ-૨ને લાગીને આવેલા નિર્જન જંગલ પરિસરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ચાકુ હુલાવી અને પથ્થર ફટકારી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પછી તેના મૃતદેહને જંગલમાં જ સંતાડી રાખવામાં આવ્યો હતો.
બીજે દિવસે આરોપી સગીર પેટ્રોલ લઈને જંગલ પરિસરમાં પહોંચ્યા હતા. પેટ્રોલ રેડી પ્રજ્યોતના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. લ્લશ્યમ ફિલ્મથી પ્રેરણા લઈ ગુનો આચરનારા બન્ને સગીરે પ્રજ્યોતના મોબાઈલ ફોનને એક બસ પર ફેંક્યો હતો, જેથી તેનું લોકેશન વારંવાર બદલાતું રહે. ચારેક કલાક પછી મોબાઈલ ફોન સ્વિચ ઑફફ થઈ ગયો હતો. આરોપીએ ગુનો છુપાવવા ઘણી ચાલાકી વાપરી હતી, પરંતુ પોલીસની ચીવટપૂર્વકની તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
