<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

તહેવારોની મોસમમાં ઇન્સ્ટન્ટ પર્સનલ લોનની ધૂમ: લોન વિતરણમાં ૩૨%નો ઉછાળો, ગુજરાતમાં સૌથી વધુ ૫૭% વૃદ્ધિ અને ૪૬ થી ૫૫ વર્ષના વયજૂથમાં ૭૦%નો ચોંકાવનારો વધારો

પૈસાબજારના ૮૦૦થી વધુ શહેરોના સર્વેમાં મોટો ખુલાસો: સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશ મળીને કુલ લોનનો ત્રીજા ભાગથી વધુ હિસ્સો ધરાવે છે: ૩૬ થી ૪૫ વર્ષના લોકો ૪૦% હિસ્સા સાથે પ્રથમ સ્થાને : જ્યારે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા અને વિડિયો KYC દ્વારા માત્ર બે કલાકમાં રૂ. ૭ લાખ સુધીની લોન ખાતામાં જમા

અમદાવાદ :  તહેવારોની મોસમ દરમિયાન ખરીદી, મુસાફરી અને ઘરવપરાશના વધતા ખર્ચાઓને પહોંચી વળવા લોકોએ મોટા પાયે ઇન્સ્ટન્ટ પર્સનલ લોનનો સહારો લીધો છે, જેના પરિણામે લોન વિતરણમાં ગત વર્ષની સરખામણીએ ૩૨ ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. પૈસાબજાર  દ્વારા દેશભરના ૮૦૦થી વધુ શહેરો અને નગરોના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ૨૦૨૫ તથા ૨૦૨૬ના ડેટાની સરખામણી કરીને તૈયાર કરાયેલા અહેવાલમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો સમગ્ર દેશમાં લોન વિતરણની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પ્રથમ, ગુજરાત બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે રહ્યું છે, અને આ ત્રણેય રાજ્યો મળીને પ્લેટફોર્મ દ્વારા વિતરિત થયેલી કુલ લોનનો એક તૃતીયાંશથી વધુ હિસ્સો ધરાવે છે. ખાસ કરીને ગુજરાતમાં વાર્ષિક ધોરણે પર્સનલ લોન વિતરણમાં સૌથી વધુ ૫૭ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૪૦ ટકા અને મહારાષ્ટ્રમાં ૩૧ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ટોચના ૧૦ રાજ્યોની યાદીમાં આ ત્રણ રાજ્યો બાદ તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે.

આ અહેવાલનું સૌથી રસપ્રદ પાસું એ છે કે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન લેવામાં હવે માત્ર યુવાનો જ નહીં, પરંતુ ૪૬ થી ૫૫ વર્ષની વયના પરિપક્વ અને મોટી ઉંમરના લોકો પણ મોખરે આવી રહ્યા છે. આ વયજૂથમાં લોન વિતરણમાં વાર્ષિક ૭૦ ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે, જેના કારણે કુલ લોન વિતરણમાં તેમનો હિસ્સો વર્ષ ૨૦૨૫ના ૧૩ ટકાથી વધીને ૨૦૨૬માં ૧૯ ટકા પર પહોંચી ગયો છે. બીજી તરફ, કુલ લોન વિતરણમાં ૩૬ થી ૪૫ વર્ષની વયના લોકો ૪૦ ટકા હિસ્સા સાથે પ્રથમ સ્થાને યથાવત રહ્યા છે, જ્યારે ૨૫ થી ૩૫ વર્ષના યુવા વયજૂથનો હિસ્સો ૩૬ ટકા રહ્યો છે, જેમાં ગત વર્ષની સરખામણીએ ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય નિષ્ણાતોના મતે વધતી કૌટુંબિક જવાબદારીઓ અને તહેવારોના ખર્ચાઓ વચ્ચે કોઈ પણ જાતની ગેરંટી કે મિલકત ગીરવે મૂક્યા વિના સરળતાથી મળતી આ લોન મધ્યમ વયના નોકરિયાત અને વ્યવસાયિક વર્ગમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.

ડિજિટલ ધિરાણની સરળતા અંગે માહિતી આપતા પૈસાબજારના સીઈઓ સંતોષ અગ્રવાલે જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ્સે ગ્રાહકો માટે લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને સુગમ બનાવી છે. કંપનીના પ્લેટફોર્મ પર ૬ અગ્રણી બેંકો સહિત કુલ ૧૮ ધિરાણ ભાગીદારો ઉપલબ્ધ છે, જેના માધ્યમથી પાત્ર ગ્રાહકો રૂ. ૭ લાખ સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન માટે સંપૂર્ણપણે ઓનલાઈન અરજી કરી શકે છે. ચાર તબક્કાની આ ડિજિટલ પ્રક્રિયામાં ગ્રાહકો પોતાની વ્યક્તિગત અને આવકની વિગતો ભરી, 'સ્માર્ટમેચ' ટેકનોલોજી દ્વારા યોગ્ય ઓફર પસંદ કરીને વિડિયો KYC પૂર્ણ કરે છે, અને બેંક કે નાણાકીય સંસ્થાની મંજૂરી મળ્યા બાદ માત્ર બે કલાકમાં જ લોનની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે.

(7:06 PM IST)