<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રાજકારણમાં સ્ત્રીશક્તિનું અપમાન? પપ્પુ યાદવના 'રૂમ' વાળા નિવેદનથી બિહારમાં ખળભળાટ, મહિલા આયોગ લાલઘૂમ

"૯૦% મહિલાઓ નેતાઓના રૂમમાં ગયા વિના રાજકારણ કરી શકતી નથી" : સાંસદના નિવેદને ગૌરવ હણ્યું: મહિલા આયોગે ૩ દિવસમાં જવાબ માંગ્યો અને સભ્યપદ રદ કરવાની ચીમકી આપી

પૂર્ણિયા:  બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમના શબ્દોએ ગરિમાની તમામ સીમાઓ ઓળંગી દીધી છે. એક કાર્યક્રમમાં મહિલાઓની રાજકીય સ્થિતિ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, "ભારતમાં મહિલાઓને દેવી તો કહેવાય છે, પણ સન્માન મળતું નથી. ૯૦% મહિલાઓ રાજકારણીઓના રૂમમાં ગયા વિના રાજકારણ કરી શકતી નથી." આ વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ રાજકીય અને સામાજિક સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓના ગૌરવ પર આટલો નીચો પ્રહાર કરવા બદલ ચારેબાજુથી પપ્પુ યાદવની ટીકા થઈ રહી છે.

આ મામલે બિહાર રાજ્ય મહિલા આયોગે કડક વલણ અપનાવતા 'સુઓમોટો' (સ્વતઃ સંજ્ઞાન) લીધું છે. આયોગે પપ્પુ યાદવને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે, તેમણે કયા આધારે અને કયા પુરાવા સાથે અડધી આબાદી વિશે આટલી અભદ્ર ટિપ્પણી કરી છે? આયોગે તેમને માત્ર ત્રણ દિવસની મહેતલ આપી છે. એટલું જ નહીં, આયોગે લોકસભાના અધ્યક્ષને પત્ર લખીને પપ્પુ યાદવનું સાંસદ પદ રદ કરવાની ભલામણ કેમ ન કરવી જોઈએ, તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. મહિલા આયોગનું માનવું છે કે જાહેર જીવનમાં બેઠેલા વ્યક્તિ જ્યારે આવું બોલે છે ત્યારે તે લાખો મહિલા કાર્યકર્તાઓનું મનોબળ તોડે છે.

રાજકીય ક્ષેત્રે પણ આ મુદ્દે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વિરોધ પક્ષોએ તેને મહિલાઓનું ઘોર અપમાન ગણાવ્યું છે, જ્યારે સામાજિક સંગઠનોએ પપ્પુ યાદવ માફી માંગે તેવી માંગ કરી છે. જોકે, પપ્પુ યાદવે પાછળથી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ સિસ્ટમની ખામીઓ વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ 'રૂમ' વાળો સંદર્ભ આપવો તે કોઈ પણ રીતે યોગ્ય ઠરતો નથી. હવે સૌની નજર પપ્પુ યાદવના અધિકૃત જવાબ પર છે; જો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે અને કાનૂની સંકટ પણ આવી શકે છે.

(9:17 PM IST)