તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
કર્ણાટક મંત્રીમંડળ વિસ્તરણ પહેલા કોંગ્રેસમાં આંતરિક બળવો: ડીકે શિવકુમાર સરકાર સામે મોટો રાજકીય ભૂકંપ
મંત્રી પદ ન મળતાં વરિષ્ઠ ધારાસભ્ય યશવંતરાય પાટીલનું રાજીનામું: અસંતુષ્ટ ધારાસભ્યોની ગુપ્ત બેઠકો વચ્ચે ભાજપે સામાજિક ન્યાય અને પ્રતિનિધિત્વ મુદ્દે આકરા પ્રહારો કર્યા

બેંગલુરુ: કર્ણાટકમાં મુખ્યમંત્રી ડીકે શિવકુમારના મંત્રીમંડળના બહુભાષિત વિસ્તરણ પહેલાં જ શાસક કોંગ્રેસ પાર્ટીમાં તીવ્ર આંતરિક અસંતોષ અને બળવાના ભણકારા વાગી રહ્યા છે. સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવા તથા છેલ્લી ઘડીએ કાપવામાં આવેલા નામોને કારણે વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોનો ગુસ્સો ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. આ રાજકીય નાટક વચ્ચે ઇન્ડી મતવિસ્તારના વરિષ્ઠ ધારાસભ્ય યશવંતરાય પાટીલે પોતાને મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં નારાજ થઈને રાજીનામું આપી દીધું છે, જ્યારે બેલુરના ધારાસભ્ય ગોપાલકૃષ્ણને પણ રાજીનામું આપવાની જાહેરાત કરતાં પાર્ટી હાઈકમાન્ડની અડચણો વધી ગઈ છે.
પાર્ટી અંદર વધતા અસંતોષની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બેંગલુરુના ડોલર્સ કોલોની ખાતે પીવી જયચંદ્રના નિવાસસ્થાને એક ડઝનથી વધુ અસંતુષ્ટ ધારાસભ્યોએ બંધ બારણે ગુપ્ત બેઠક યોજી રણનીતિ ઘડી હતી. માત્ર મંત્રી પદથી વંચિત રહેલા ધારાસભ્યો જ નહીં, પરંતુ વરિષ્ઠ નેતા કેએચ મુનિયપ્પા પણ સોંપાયેલા પોર્ટફોલિયોથી ભારે અસંતુષ્ટ છે અને તેમણે રાહુલ ગાંધી સમક્ષ પોર્ટફોલિયો બદલવા માંગ કરી છે. મંત્રીઓની આખરી યાદીમાં છેલ્લી ઘડીએ મનકલ વૈદ્ય અને ગાયત્રી ચંદ્રશેખર જેવા નેતાઓના નામ અચાનક હટાવી દેવાતા અસંતોષનો દાવાનળ વધુ ભડક્યો છે.
આ આંતરિક ઝઘડા વચ્ચે વિરોધ પક્ષ ભાજપે કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસે મંત્રીમંડળમાં મહિલાઓ, યુવાનો અને બ્રાહ્મણ સમુદાયની ઘોર ઉપેક્ષા કરીને સામાજિક ન્યાયના તમામ વચનો નેવે મૂકી દીધા છે. નવા મંત્રીમંડળમાં માત્ર એક જ મહિલા મંત્રીનો સમાવેશ કરાયો હોવાથી અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરતા નેતાઓને સ્થાન અપાતાં ભાજપે આને તકવાદી રાજકારણ ગણાવ્યું છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
