<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન પુનઃ શરમજનક સ્થિતિમાં: અસીમ મુનીરની સેના આતંકવાદીઓ તૈયાર કરતી હોવાનો આરોપ

હેગ જસ્ટિસ ડાયલોગ 2026'માં PTM પ્રમુખ મંજૂર પશ્તીનની ગંભીર રજૂઆત વચ્ચે પાકિસ્તાની રાજદૂતો સભા છોડીને ભાગ્યા

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં પાકિસ્તાનને ફરી એકવાર ભારે રાજદ્વારી અપમાનનો સામનો કરવો પડ્યો છે. 'હેગ જસ્ટિસ ડાયલોગ 2026' દરમિયાન પશ્તુન તહફુઝ મૂવમેન્ટ (PTM) ના પ્રમુખ મંજૂર પશ્તીને પાકિસ્તાની સેનાપ્રમુખ અસીમ મુનીરની સેના અને ગુપ્તચર એજન્સીઓ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. પશ્તીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ પશ્તુન વિસ્તારોમાં આતંકવાદી જૂથોને ભંડોળ પૂરું પાડીને તાલીમ આપી રહ્યા છે. આ પરિષદમાં જ્યારે મંજૂર પશ્તીન પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા રજૂ કરી રહ્યા હતા, ત્યારે પરિસ્થિતિનો સામનો કરવાને બદલે પાકિસ્તાની રાજદ્વારી આસિફ દુર્રાની અને અન્ય રાજદૂતો કાર્યક્રમ છોડીને ભાગી ગયા હતા.

મંજૂર પશ્તીને વધુમાં આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની સેના આતંકવાદ વિરોધી અભિયાનોના નામે સ્થાનિક વસ્તીને બળજબરીથી વિસ્થાપિત કરી રહી છે અને વિસ્તારના ખનિજ સંસાધનો પર ગેરકાયદેસર કબજો જમાવી રહી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીમાં હજારો પશ્તુન નાગરિકો માર્યા ગયા છે, હજારો ગુમ થયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે, પરંતુ તેમ છતાં ખૈબર પખ્તુનખ્વામાં શાંતિ સ્થાપિત થઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) સહિતના વૈશ્વિક મંચો પર અગાઉ પણ કુલભૂષણ જાધવ કેસ, એટલાન્ટિક એરક્રાફ્ટ કેસ અને સિંધુ જળ સંધિ વિવાદમાં મોટી કાનૂની અને રાજદ્વારી હારનો સામનો કરવો પડ્યો છે.

(7:00 PM IST)