<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કેનેડામાં ઇન્ટરનેશનલ 'ફોર બ્રધર્સ' ગેંગનો પર્દાફાશ: ૧૭ ભારતીય મૂળના શખ્સોની ધરપકડ : ક્રિકેટ બોર્ડના ચીફના ઘરે ફાયરિંગ સાથે કનેક્શન

કેનેડિયન પોલીસ અને એફબીઆઈના સંયુક્ત ઓપરેશનમાં વેપારીઓને ડરાવી-ધમકાવી કરોડોની ખંડણી વસૂલતું નેટવર્ક ધ્વસ્ત: દોષિત સાબિત થયા બાદ કેનેડામાંથી ડિપોર્ટ કરવાની તૈયારી

 ઓટાવા : કેનેડા અને અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાઈ સમુદાયના અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે આતંકનો પર્યાય બનેલી આંતરરાષ્ટ્રીય ખંડણી ગેંગ ‘ફોર બ્રધર્સ’ વિરુદ્ધ કેનેડિયન પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. પીલ રિજનલ પોલીસની સ્પેશિયલ ખંડણી ટાસ્ક ફોર્સે સરહદો પાર વિસ્તરેલા આ ગુનાહિત નેટવર્ક પર ત્રાટકીને ભારતીય મૂળના ૧૭ શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ હાઈ-પ્રોફાઈલ ગેંગ બ્રેમ્પટન, મિસિસૌગા, કેલેડોન અને બ્રિટિશ કોલંબિયા સહિત અમેરિકાના કેલિફોર્નિયા સુધી સક્રિય હતી, જે ધાકધમકી, હિંસા અને અંધાધૂંધ ગોળીબાર કરીને બિઝનેસમેનો પાસેથી મોટી રકમ પડાવતી હતી.

આ સનસનાટીભર્યા મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ક્રિકેટ કેનેડાના પ્રમુખ અરવિંદ ખોસાના નિવાસસ્થાને અચાનક ફાયરિંગની ઘટના સામે આવી. આ હિંસક હુમલા પાછળ ખંડણી વસૂલવાનો જ હેતુ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પીલ પ્રાદેશિક પોલીસના વડા નિશાન દુરૈયપ્પાના જણાવ્યા અનુસાર, આ ગેંગના આતંકથી સ્થાનિક વેપારી આલમમાં ભય અને અસુરક્ષાનું ભારે વાતાવરણ ઉભું થયું હતું. આ નેટવર્કને તોડવા માટે ડિસેમ્બર ૨૦૨૫ થી કેનેડિયન સુરક્ષા એજન્સીઓ અને અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ સંયુક્ત ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પરિણામે એપ્રિલ ૨૦૨૬ માં આ તમામ સૂત્રધારો પોલીસના સિકંજામાં આવ્યા છે.

પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ આ ટોળકી કુલ ૨૪ જેટલી ગુનાહિત ઘટનાઓ અને ૧૬ હિંસક હુમલાઓમાં સીધી રીતે સંડોવાયેલી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઇકબાલ સિંહ ભગારિયા, આકાશદીપ સિંહ અને રવિન્દર સિંહ સહિત અન્ય ૧૪ સાગરીતો તરીકે થઈ છે, જેમની પાસેથી છ આધુનિક હથિયારો, નશીલા પદાર્થો, બહુવિધ સિમ કાર્ડ અને નકલી આઈડી કાર્ડ જપ્ત કરાયા છે. હાલ આંતરરાષ્ટ્રીય ફંડિંગ ચેનલોની સઘન પૂછપરછ ચાલી રહી છે, અને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ફોજદારી કેસ પૂરો થયા બાદ આમાંથી છ મુખ્ય આરોપીઓને કેનેડામાંથી કાયમી ધોરણે દેશનિકાલ  કરવાની ઇમિગ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

(6:33 PM IST)