તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગરમાવો: "યાદ રાખો, પાકિસ્તાને જ બિન લાદેનને ૧૦ વર્ષ છુપાવ્યો હતો", ઈરાનના વડાના વખાણ કરનાર પીએમ શેહબાઝ શરીફ પર ભડક્યા યુએસ સેનેટર રિક સ્કોટે
પાકિસ્તાન ક્યારેય મધ્યસ્થી ન બની શકે: ઈરાનના જુલમી શાસકને 'મહાન નેતા' ગણાવતા પાકિસ્તાની વડાપ્રધાનની વૈશ્વિક મંચ પર આકરી આલોચના; અમેરિકાએ કહ્યું - "અમારી નજર તમારા પર જ છે"

વોશિંગ્ટન, તા.૦૭: મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને પાકિસ્તાન આમને-સામને આવી ગયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં આપેલા એક વિવાદાસ્પદ નિવેદન બાદ અમેરિકાના ટોચના નેતા રિક સ્કોટે પાકિસ્તાનને તેની અસલી ઓકાત યાદ અપાવી છે. ફ્લોરિડાના પ્રભાવશાળી સેનેટર રિક સ્કોટે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે દુનિયાએ ભૂલવું ન જોઈએ કે પાકિસ્તાનનો અસલી ચહેરો શું છે.
"જેણે આતંકી આકાને આશ્રય આપ્યો, તેની વિશ્વસનીયતા શું?"
સેનેટર રિક સ્કોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અત્યંત કડક શબ્દોમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. તેમણે લખ્યું, "આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે કે આ બધી પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન ખરેખર કોણ છે. આપણે એક એવા દેશની વાત કરી રહ્યા છીએ, જ્યાં વિશ્વનો સૌથી મોટો આતંકવાદી ઓસામા બિન લાદેન ૨૦૧૧ માં એબોટાબાદમાં અમેરિકી દળો દ્વારા માર્યા ગયા પહેલાં આશરે એક દાયકા (૧૦ વર્ષ) સુધી સુરક્ષિત રીતે છુપાયેલો હતો. આ એવો દેશ છે જ્યાં લઘુમતી ખ્રિસ્તીઓ પર અત્યાચાર કરવા માટે કડક ઈશનિંદા કાયદાઓનો દુરુપયોગ થાય છે."
ઈરાનના જુલમી શાસકને શરીફે ગણાવ્યા 'ભાઈ'
આ વિવાદની શરૂઆત મિડલ ઈસ્ટ મીડિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયો બાદ થઈ હતી. તેહરાનમાં ખામેનીના અંતિમ સંસ્કારમાં પહોંચેલા પાકિસ્તાની પીએમ શેહબાઝ શરીફે ઈરાનના કટ્ટરપંથી શાસકને "મહાન વિદ્વાન અને નેતા" તરીકે નવાજ્યા હતા. શરીફે એટલેથી ન અટકતા ભારત અને ઈરાનને "ભાઈ રાષ્ટ્રો" ગણાવીને ગમે તેવા સંજોગોમાં એકબીજાની સાથે કૂચ કરવાની કસમ ખાધી હતી. ખામેનીના દાયકાઓ લાંબા શાસનમાં હજારો વિરોધીઓને ફાંસી અને માનવ અધિકારોના હનન બદલ વિશ્વમાં તેમની થૂ-થૂ થઈ રહી છે, ત્યારે પાકિસ્તાની પીએમના આવા વખાણથી અમેરિકા લાલચોળ થઈ ગયું છે.
શાંતિ દૂત બનવાની પાકિસ્તાનની હેસિયત નથી
અમેરિકી સેનેટરે પાકિસ્તાનની વિદેશ નીતિને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વના તણાવને શાંત કરવા માટે ઇસ્લામાબાદ ક્યારેય તટસ્થ મધ્યસ્થી ભૂમિકા ભજવી શકે નહીં. તેમણે કતાર અને પાકિસ્તાન જેવા દેશોની સરખામણી કરતા કહ્યું કે, "તેઓ આ વૈશ્વિક મુદ્દાઓમાં મધ્યસ્થી કરવા માટે હમાસના આશ્રયદાતા કતારીઓ કરતાં વધુ લાયક નથી. ઇસ્લામાબાદે આ વાત મગજમાં રાખવી જોઈએ કે વૉશિંગ્ટન તેમની દરેક હિલચાલ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યું છે." આ નિવેદન બાદ આગામી દિવસોમાં પાકિસ્તાનને મળતી અમેરિકી સહાય પર કાપ મુકાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
