તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
મહાવિનાશ બાદ વેનેઝુએલામાં ઇન્ટરનેટ ઠપ્પઃબચાવ કામગીરી પર મોટું સંકટ
શક્તિશાળી ભૂકંપે વીજળી અને ટેલિકોમ માળખુ ધ્વસ્ત

કારાકાસ, તા.૨૫: વેનેઝુએલા પર તૂટી પડેલી કુદરતી આપત્તિ હવે વધુ ગંભીર વળાંક લઈ રહી છે. ઉત્તરી કિનારા નજીક આવેલા ૭.૫ અને ૭.૨ ની તીવ્રતાના બે વિનાશક ભૂકંપના કારણે માત્ર ગગનચુંબી ઇમારતો જ પત્તાના મહેલની જેમ નથી તૂટી, પરંતુ દેશની આધુનિક જીવાદોરી ગણાતું ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્ક પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઇન્ટરનેટ વેધશાળા નેટબ્લોક્સઁ ના અહેવાલ મુજબ, ધરતીકંપના કારણે મોબાઇલ ટાવર્સ, વીજળીની લાઈનો અને ઇન્ટરનેટ એન્ટેના જમીનદોસ્ત થઈ જતાં દેશમાં કનેક્ટિવિટી સીધી ૧૦૦% થી ઘટીને ૬૦% પર આવી ગઈ છે. રાજધાની કારાકાસ સહિતના મોટાભાગના વિસ્તારો ડિજિટલ બ્લેકઆઉટનો સામનો કરી રહ્યા છે, જેના કારણે પોતાના સ્વજનોની સ્થિતિ જાણવા માગતા લોકોમાં ભારે ગભરાટ અને લાચારી જોવા મળી રહી છે.
પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને બરબાદ થયેલા વેનેઝુએલાને બેઠું કરવા માટે અત્યારે સૌથી મોટો પડકાર સંચાર પ્રણાલીને પુનઃજીવિત કરવાનો છે. ઇન્ટરનેટ અને નેટવર્ક ગુમાવવાને કારણે આપત્તિજનક વિસ્તારોમાં ફસાયેલા લોકો પ્રશાસનનો સંપર્ક કરી શકતા નથી, જેના લીધે રાહત અને બચાવ કામગીરીમાં મોટો વિલંબ થઈ રહ્યો છે. આ કટોકટીમાંથી બહાર આવવા માટે સરકારે ટેલિકોમ કંપનીઓ સાથે મળીને યુદ્ધના ધોરણે અસ્થાયી મોબાઇલ ટાવર્સ ઊભા કરવા પડશે અને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓની મદદ લેવી પડશે. જ્યાં સુધી પાવર ગ્રીડ અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સમારકામ ઝડપથી નહીં થાય, ત્યાં સુધી ફિલ્ડ પર કામ કરી રહેલી બચાવ ટુકડીઓ વચ્ચે તાલમેલ મેળવવો અશકય બનશે.
આ ભયાનક આપત્તિ વચ્ચે સૌથી મોટો ચિંતાનો વિષય માનવજીવનનો છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ તેના પ્રારંભિક આંકડાઓમાં આશંકા વ્યક્ત કરી છે કે આ સદીના સૌથી ભયાનક ભૂકંપમાં ૧૦,૦૦૦ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોઈ શકે છે. વળી, દેશની સૌથી મોટી રિફાઇનરીઓ જ્યાં આવેલી છે તે મોન્ટાલ્બન વિસ્તારની નજીક જ ભૂકંપનું કેન્દ્ર હોવાથી આર્થિક નુકસાનનો અંદાજ પણ અકલ્પનીય છે. હાલમાં હજારો લોકો કાટમાળ નીચે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હોવાની ભીતિ છે, અને જો સંચાર સેવાઓ તાકીદે શરૂ કરવામાં સફળતા નહીં મળે, તો આ મળત્યુઆંક હજુ પણ વધી શકે છે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
