<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ઈન્ટરનેટ પર વેટિકનનો ધમાકો: ટ્રેન્ડિંગ '6-7' મીમ ફેમમાં પોપ લીઓ XIV ની એન્ટ્રી; સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ મચાવી ધૂમ!

માસૂમ બાળકોએ પોપને શીખવાડ્યો સોશિયલ મીડિયાનો લેટેસ્ટ ક્રેઝ; પરંપરાગત છબી બાજુ પર મૂકીને પોપ લીઓ XIV એ લીધી અણધારી રમુજી ચપટી, યુઝર્સ બોલ્યા- "આ છે સુપર કૂલ પોપ!"

વેટિકન સિટી, તા.૧૯: વિશ્વના સૌથી પવિત્ર અને કડક ધાર્મિક પ્રોટોકોલ ધરાવતા વેટિકન સિટીમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને સમગ્ર વિશ્વના ઈન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થવાની સાથે-સાથે હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે. વેટિકનના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ લીઓ XIV (Pope Leo XIV) એક જાહેર મુલાકાત દરમિયાન નાનકડા બાળકો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે માસૂમ બાળકોએ તેમને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા વાયરલ "6-7" (છ-સાત) મીમ વિશે જણાવ્યું હતું. પોપે પણ કોઈ ખચકાટ વિના અત્યંત ઉષ્મા અને સ્મિત સાથે બાળકોના આ હાવભાવનું અનુકરણ કર્યું હતું, જે ક્ષણ કેમેરામાં કેદ થતાં જ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.

આ અણધારી અને અનૌપચારિક વાતચીત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આગની જેમ ફેલાઈ ગઈ છે. યુઝર્સ રમુજી ટિપ્પણીઓ કરતા લખી રહ્યા છે કે, આધુનિક યુગની 'મીમ સંસ્કૃતિ' હવે વિશ્વની સૌથી જૂની ધાર્મિક સંસ્થાના ગઢ સુધી પહોંચી ગઈ છે. સામાન્ય રીતે વેટિકન અને પોપની છબી અત્યંત ગંભીર અને ઔપચારિક હોય છે, પરંતુ પોપ લીઓ XIV ની આ હળવાશભરી અને પ્રેમાળ બાજુએ દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા છે.

શું છે આ '6-7' ઓનલાઈન ટ્રેન્ડનો લોચો?

જો તમને લાગતું હોય કે આ 'છ-સાત' પાછળ કોઈ મોટો ગૂઢ આર્થિક કે વૈજ્ઞાનિક અર્થ છુપાયેલો છે, તો તમે ખોટા છો! આ વાયરલ ટ્રેન્ડની શરૂઆત પ્રખ્યાત રેપર સ્ક્રિલાના સુપરહિટ ટ્રેક 'ડૂટ ડૂટ (6 7)' થી થઈ હતી, જે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ મીમનો કોઈ ચોક્કસ અર્થ નથી હોતો, પરંતુ યુઝર્સ કોઈપણ અસંબંધિત કે વાહિયાત વાતચીતની વચ્ચે અચાનક "છ-સાત" શબ્દ બોલીને અતરંગી કોમેડી ઉભી કરે છે. ઈન્ટરનેટ જગતમાં આ શૈલીને "રેજબેટ કોમેડી" કહેવામાં આવે છે, જે આજકાલની યુવા પેઢીમાં ક્રેઝી હદ સુધી લોકપ્રિય છે.

નાઇકી સ્નીકર્સ બાદ પોપનો નવો અંદાજ

પોપ લીઓ XIV પોતાની આવી મોર્ડન અને કૂલ લાઈફસ્ટાઈલ માટે અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં એક શાનદાર ડોક્યુમેન્ટરીના શૂટિંગ દરમિયાન તેઓ પવિત્ર ઝભ્ભાની નીચે ટ્રેન્ડિંગ 'નાઇકી સ્નીકર્સ' (Nike Sneakers) શૂઝ પહેરેલા જોવા મળ્યા હતા, જેના કારણે વૈશ્વિક મીડિયામાં ભારે ચર્ચા જાગી હતી.

બાળકો સાથેની આ મુલાકાતનો વીડિયો વાયરલ થયા બાદ લોકો પોપના ઓપન-માઇન્ડેડ વલણ અને જિજ્ઞાસાના ભારોભાર વખાણ કરી રહ્યા છે. નેટીઝન્સ કહી રહ્યા છે કે, આવા પદો પર બેઠેલી વ્યક્તિ જ્યારે સામાન્ય લોકો અને બાળકોના સ્તર પર આવીને હસી-મજાક કરે છે, ત્યારે ધર્મ પ્રત્યે સામાન્ય જનતાનો આદર અને પોતીકાપણું ઓટોમેટિકલી વધી જાય છે.

(5:54 PM IST)