<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સોના-ચાંદીના આયાત શુલ્કમાં વધારાને પગલે રોકાણકારોને ચાંદી જ ચાંદી : ETF અને મ્યુચ્યુઅલ ફંડમાં વળતરનો જબરદસ્ત ઉછાળો

કેન્દ્ર સરકારના સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારી 15% કરવાના નિર્ણયની બજાર પર વ્યાપક અસર : ઈન્વેસ્ટર્સની સંપત્તિમાં રાતોરાત મોટો વધારો નોંધાયો

નવી દિલ્હી:કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરના આયાત શુલ્ક (ઈમ્પોર્ટ ડ્યુટી)માં કરવામાં આવેલા ધરખમ વધારાના પગલે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. સરકારે વિદેશી હુંડિયામણ બચાવવા અને આયાત પર અંકુશ મેળવવા માટે આયાત વેરો 6% થી વધારીને 15% કરી દીધો છે. આ નિર્ણયની સીધી અસર મ્યુચ્યુઅલ ફંડ્સ અને ગોલ્ડ-સિલ્વર ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) પર જોવા મળી છે, જેના કારણે રોકાણકારોના વળતરમાં મોટો ઉછાળો આવ્યો છે.

શેરબજારના ડેટા મુજબ, સિલ્વર ETF માં રોકાણ કરનારાઓને સૌથી વધુ ફાયદો થયો છે. અનેક સિલ્વર ETF ના ભાવમાં 7% થી 9% સુધીનો ઉછાળો એક જ દિવસમાં જોવા મળ્યો છે. સોનાના ભાવમાં પણ વધારો થવાને કારણે ગોલ્ડ ETF માં રોકાણ કરનારાઓની સંપત્તિમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. રોકાણકારો માટે આ નિર્ણય આશીર્વાદ સમાન સાબિત થયો છે કારણ કે તેમના પોર્ટફોલિયોના મૂલ્યમાં અચાનક વૃદ્ધિ થઈ છે.

MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ સોના અને ચાંદીના વાયદાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આયાત શુલ્કમાં વધારો થવાને કારણે ભારતમાં સોનું અને ચાંદી મોંઘા થયા છે, જેની સીધી અસર સ્થાનિક જ્વેલરી બજાર પર પણ પડશે. આ વધારાને કારણે સોના અને ચાંદીના ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રોકાણ કરનારા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રોકાણકારો હવે ફિઝિકલ ગોલ્ડ કે સિલ્વર ખરીદવાને બદલે ETF અને ફંડ્સમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે કારણ કે તેમાં તરલતા વધુ હોય છે અને સંગ્રહ કરવાની ચિંતા રહેતી નથી. બજારના વિશ્લેષકોનું માનવું છે કે આગામી સમયમાં જો વૈશ્વિક સંકટ યથાવત રહેશે તો કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે. હાલના તબક્કે સરકારી નિર્ણયને પગલે બજારમાં ચાંદીના રોકાણકારોને સૌથી વધુ નફો મળી રહ્યો છે.

(8:13 PM IST)