<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

આઈપીએલ ૨૦૨૬: ઇંધણ બચાવવા પ્રેક્ષકો વિના મેચ રમાડવાની સીટીઆઈની રમતગમત મંત્રાલયને અપીલ

પશ્ચિમ એશિયા કટોકટી અને ઇંધણની બચતને ધ્યાનમાં રાખીને 'ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી' દ્વારા રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખાયો: બીસીસીઆઈએ કહ્યું - સરકારના નિર્દેશ મળશે તો પાલન કરીશું

મુંબઈ: હાલમાં ચાલી રહેલી આઈપીએલ ૨૦૨૬ ની સિઝનમાં એક મોટો બદલાવ આવી શકે છે. વેપારી સંસ્થા સીટીઆઈએ દેશના રમતગમત મંત્રાલયને પત્ર લખીને માંગ કરી છે કે આઈપીએલની બાકીની મેચો કોવિડ-૧૯ સમયની જેમ મર્યાદિત સ્થળોએ અને પ્રેક્ષકો વિના (બંધ બારણે) રમાડવામાં આવે. આ માંગણી પાછળનું મુખ્ય કારણ વિમાની પ્રવાસ અને પ્રેક્ષકોના પરિવહન પાછળ વપરાતા લાખો લિટર પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલની બચત કરવાનું છે.

 

૨૮ માર્ચથી શરૂ થયેલી આઈપીએલ ૨૦૨૬ ની સિઝનમાં ટીમો અને પ્રેક્ષકો દ્વારા મોટા પાયે મુસાફરી કરવામાં આવી રહી છે. 

 

સ્પોર્ટ્સ મીડિયાના અહેવાલો અનુસાર, 'ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી' (સીટીઆઈ) ના ચેરમેન બ્રિજેશ ગોયલે ૧૭ મેના રોજ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને એક વિસ્તૃત પત્ર લખ્યો છે.

 

સીટીઆઈના અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ભૌગોલિક રાજકીય કટોકટીને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિનજરૂરી ખર્ચ ટાળવાની સલાહ આપી છે. આઈપીએલની ટીમો મુસાફરી માટે બોઇંગ ૭૩૭ અથવા એરબસ એ૩૨૦ જેવા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરે છે, જે કલાકના અંદાજે ૨,૪૦૦ થી ૩,૦૦૦ લિટર ઇંધણનો વપરાશ કરે છે. એક ટીમ આખી સિઝનમાં અંદાજે ૫૦,૦૦૦ થી ૭૦,૦૦૦ લિટર એવિએશન ફ્યુઅલ વાપરે છે. આ ઉપરાંત, એક મેચમાં અંદાજે ૫૦,૦૦૦ પ્રેક્ષકો સ્ટેડિયમમાં આવે છે, જેના પરિવહનમાં પણ હજારો લિટર પેટ્રોલ અને ડીઝલ વપરાય છે. તેથી, આ ખર્ચ અટકાવવા માટે પ્રેક્ષકો વિના મેચ રમાડવી જરૂરી છે.

 

આ અપીલના જવાબમાં, આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં બીસીસીઆઈને સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર સૂચના મળી નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ ભારત સરકારને જવાબદેહ છે અને જો સરકાર તરફથી કોઈ નિર્દેશ આવશે, તો કોવિડ-૧૯ રોગચાળાના સમયની જેમ તેનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે.

(10:49 AM IST)