તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
IPL માં 'ગર્લફ્રેન્ડ' અને 'વેપિંગ' પર હવે BCCI ની લાલ આંખ! ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝીઓ માટે નવા કડક નિયમો લાગુ
પ્રોટોકોલ તોડનારા ખેલાડીઓ અને ગર્લફ્રેન્ડ્સના પ્રવેશ પર મુકાશે પ્રતિબંધ: એરપોર્ટથી લઈને ટીમ હોટલ સુધી નિયમોના લીરેલીરા ઉડાડતા સ્ટાર પ્લેયર્સને દેવજીત સૈકિયાની આકરી ચેતવણી : ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલના ભંગ બદલ થઈ શકે છે મોટી સજા

ઇન્ડિયન પ્રીમિયર લીગ ની 19મી સીઝન માત્ર ચોગ્ગા-છગ્ગા માટે જ નહીં, પણ મેદાનની બહાર થતા નિયમોના ઉલ્લંઘન માટે પણ ચર્ચામાં છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ તાજેતરમાં એક મોટું નિવેદન આપીને ફ્રેન્ચાઇઝીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. બોર્ડના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ખેલાડીઓ અને અધિકારીઓ સુરક્ષા પ્રોટોકોલનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ખાસ કરીને હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ઈશાન કિશન જેવા સ્ટાર ખેલાડીઓ વારંવાર તેમની ગર્લફ્રેન્ડ સાથે એરપોર્ટ અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા છે. બોર્ડનું માનવું છે કે આ પ્રકારની અનધિકૃત અવરજવર ટીમના શિસ્ત અને એન્ટી-કરપ્શન યુનિટના નિયમોની વિરુદ્ધ છે, જેના કારણે હવે ખેલાડીઓની અંગત મુલાકાતો પર કાતર ફેરવવાની તૈયારીઓ ચાલી રહી છે.
માત્ર ગર્લફ્રેન્ડ જ નહીં, પરંતુ ટીમની અંદર ફેલાયેલી ગેરરીતિઓ સામે પણ બોર્ડ કડક બન્યું છે. રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં મોબાઈલ ફોન વાપરતા ઝડપાયા બાદ તેમને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલું જ નહીં, રિયાન પરાગ દ્વારા ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈલેક્ટ્રોનિક સિગારેટ) કરવાની ઘટનાએ BCCI ને ચોંકાવી દીધું છે. સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે ટીમ બસમાં અનધિકૃત વ્યક્તિઓનું મુસાફરી કરવું અને હોટલના રૂમમાં વગર પરવાનગીએ પ્રવેશ કરવો એ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. આ પ્રકારની બેદરકારી રમતની ગરિમા અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે.
આગામી દિવસોમાં BCCI એક નવી માર્ગદર્શિકા જારી કરવા જઈ રહ્યું છે, જેમાં શિસ્તભંગ કરનાર ખેલાડી સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહીની જોગવાઈ હોઈ શકે છે. બોર્ડના સચિવ ને જણાવ્યું કે, "અમે ખાલી બેઠા નથી, દરેક હિલચાલ પર અમારી નજર છે." હવે ખેલાડીઓએ મેદાનની બહાર પણ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું પડશે, અન્યથા ભલે ગમે તેટલો મોટો સ્ટાર પ્લેયર હોય, બોર્ડ આકરા પગલાં લેતા અચકાશે નહીં. ફ્રેન્ચાઇઝીઓને પણ કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના સ્ટાફ અને ખેલાડીઓના અંગત મહેમાનો પર નિયંત્રણ રાખે, જેથી રમતની પવિત્રતા જળવાઈ રહે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
