તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ઈરાન શરતો પર અમેરિકા સાથે વાટાઘાટો કરવા સંમત: હુમલો થશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે તેહરાનની કડક ચેતવણી
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતા વચ્ચે મોહસેન રેઝાઈએ અમેરિકા સામે મુકી ૩ મુખ્ય શરતો: પ્રાદેશિક અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર વળતા પ્રહારની ચીમકી

તેહરાન: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે ઈરાને યુદ્ધનો અંત લાવવા અને અમેરિકા સાથે ફરી વાટાઘાટો શરૂ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડા મોહસેન રેઝાઈએ શનિવારે (૧૯ સપ્ટેમ્બર) અલ જઝીરા સાથેની ખાસ મુલાકાતમાં સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન ચોક્કસ શરતો હેઠળ જ અમેરિકા સાથે મધ્યસ્થતા દ્વારા ચર્ચા કરવા તૈયાર છે. જોકે, આ સાથે ઈરાની સૈન્યએ કડક ચેતવણી પણ આપી છે કે જો અમેરિકા દ્વારા કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તેના પરિણામો ગંભીર આવશે.
ઈરાન દ્વારા મધ્યસ્થી કરનારા દેશો મારફતે વોશિંગ્ટનને પોતાની શરતો મોકલી આપવામાં આવી છે અને હાલ તેહરાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.
દરમિયાન, ઈરાનના સેન્ટ્રલ મિલિટરી કમાન્ડને ટાંકીને ઈરાની સ્ટેટ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાનને એવી માહિતી મળી છે કે અમેરિકા કેટલાક પ્રાદેશિક સહયોગી દેશોની મદદથી ઈરાન વિરુદ્ધ નવી લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ અહેવાલો સામે ઈરાને સખત વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે તો પ્રદેશમાં સ્થિત તમામ યુએસ લશ્કરી ઠેકાણાઓ, નૌકાદળના જહાજો અને અમેરિકન વ્યાપારી હિતો પર ઈરાન દ્વારા સખત અને અવિરત પ્રહારો કરવામાં આવશે. વધુમાં, ઈરાની સૈન્યએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વિરુદ્ધની કોઈ પણ અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં મદદ કરનારા પ્રાદેશિક દેશોને પણ સંઘર્ષના સીધા પક્ષકાર ગણવામાં આવશે અને તેમને પણ છોડવામાં આવશે નહીં.
પોતાની મુલાકાત દરમિયાન મોહસેન રેઝાઈએ પ્રદેશમાં ચાલી રહેલા અન્ય વિવાદો અંગે પણ ઈરાનની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઈરાન સાઉદી અરેબિયા અને યમન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના યુદ્ધનો અંત લાવવામાં મદદ કરવા માંગે છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને શાંત કરવામાં પણ તેહરાન પોતાની સકારાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે.
આમ, ઈરાને એક તરફ કતાર અને પાકિસ્તાન દ્વારા મુત્સદ્દીગીરીનો માર્ગ ખુલ્લો રાખ્યો છે, તો બીજી તરફ કોઈ પણ સંભવિત સૈન્ય હુમલા સામે આકરા વળતા પ્રહાર માટે પૂર્ણ તૈયારી હોવાનો સંકેત આપ્યો છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
