તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ટ્રમ્પને ઈરાનનો લલકાર: "૩૦ દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર અમારો સંપૂર્ણ કબજો રહેશે, અમેરિકી દખલગીરી સહન નહીં થાય"
અમેરિકી સૈન્ય મથકો પર ઈરાનના જવાબી હુમલા બાદ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીની કડક ચેતવણી : ઇઝરાયલ-લેબનોન વિવાદ વચ્ચે વૈશ્વિક તેલ સપ્લાયના મુખ્ય જળમાર્ગ પર ઈરાને જમાવ્યો મજબૂત પંજો

બગદાદ: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ઈરાક પ્રવાસ દરમિયાન એક સનસનાટીપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' આગામી ૩૦ દિવસ સુધી સંપૂર્ણપણે ઈરાનની સૈન્ય દેખરેખ અને વ્યવસ્થાપન હેઠળ રહેશે. બગદાદમાં ઈરાકી વિદેશ પ્રધાન ફુઆદ હુસૈન સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં અરાઘચીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને સીધો અને સ્પષ્ટ સંદેશ આપતા ચેતવણી આપી છે કે, આ વ્યૂહાત્મક જળમાર્ગ પર ઈરાનના નિયંત્રણને પડકારવાનો અથવા કોઈપણ બાહ્ય દખલગીરી કરવાનો પ્રયાસ પરિસ્થિતિને વધુ વણસાવશે. ઈરાનનું આ આક્રમક વલણ તાજેતરમાં જ મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા જોરદાર જવાબી હુમલા બાદ સામે આવ્યું છે, જેનાથી સમગ્ર ખાડી દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે.
ઈરાની વિદેશ પ્રધાને ભાર પૂર્વક જણાવ્યું હતું કે સમજૂતી કરાર (MoU) હેઠળ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને વ્યવસ્થાપનની સંપૂર્ણ જવાબદારી માત્ર ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની છે અને આમાં અન્ય કોઈ ત્રીજા દેશની ભૂમિકા સ્વીકારવામાં આવશે નહીં. અરાઘચીએ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે એક નવું 'પ્રાદેશિક સુરક્ષા માળખું' બનાવવાની હાકલ કરી છે, જેમાં માત્ર આ ક્ષેત્રના દેશો જ સામેલ હોય અને અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશોની દખલગીરી બિલકુલ ન હોય. લેબનોન સંકટનો ઉલ્લેખ કરતા તેમણે વોશિંગ્ટનને તેની આંતરરાષ્ટ્રીય જવાબદારી યાદ અપાવી અને કહ્યું કે અમેરિકાએ ઇઝરાયલ પર દબાણ લાવવું જોઈએ જેથી તે લેબનોનના સરહદી વિસ્તારોમાંથી પોતાની સેના પાછી ખેંચે અને હવાઈ હુમલા તાત્કાલિક બંધ કરે, કારણ કે ઇઝરાયલે પણ આ સમજૂતી સ્વીકારી છે.
બીજી તરફ, ઈરાકના વિદેશ પ્રધાન ફુઆદ હુસૈને આ મુશ્કેલ સમયમાં પડોશી દેશ ઈરાનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાક ખાડી ક્ષેત્રમાં યુદ્ધ ફાટી નીકળે અથવા તેનો વ્યાપ વધે તેના પક્ષમાં નથી અને ઈરાન પર થતા તમામ સૈન્ય હુમલાઓનો સખત વિરોધ કરે છે. જોકે, દુનિયાભરના તેલ સપ્લાયના પાંચમા ભાગ (૨૦%) નો માર્ગ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને ૩૦ દિવસ માટે પોતાના કડક નિયંત્રણમાં લેતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવો ભડકે બળવાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં થયેલી સૈન્ય હિલચાલ બાદ હવે જોવાનું એ રહેશે કે વ્હાઇટ હાઉસ ઈરાનના આ ખુલ્લા પડકારનો સામનો કેવી રીતે કરે છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
