<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પરમાણુ મુદ્દે ‘કોંક્રિટ પ્રગતિ’ માટે ઈરાનને આર્થિક પ્રતિબંધોમાં રાહત અને 'ફ્રીઝ ફંડ' રિલીઝ કરવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર! : વ્હાઈટ હાઉસના અધિકારીનો દાવો

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીઓ મારફતે સકારાત્મક ચર્ચા : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ઈરાનનો પ્રસ્તાવ ફગાવતા ટ્રમ્પે કહ્યું - “તેઓ કરાર કરવા ઈચ્છે છે, પણ અમારા નિયમો મુજબ નહીં”

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ કરાર અંગે ‘કોંક્રિટ પ્રગતિ’ (ઠોસ પ્રગતિ) જોવા મળે તો ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં રાહત આપવા તેમજ તેના ફ્રીઝ કરાયેલા ફંડને મુક્ત કરવા માટે તૈયાર થયા છે. મધ્યસ્થીઓ દ્વારા બંને દેશોને ફરી એકવાર વાટાઘાટોના ટેબલ પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવા સમયે વ્હાઈટ હાઉસના એક ઉચ્ચ અધિકારીએ આ મહત્ત્વની માહિતી આપી છે.

વ્હાઈટ હાઉસના અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્યસ્થીઓ મારફતે અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે સકારાત્મક અને રચનાત્મક ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, જ્યાં સુધી પરમાણુ મુદ્દાઓનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈ કરાર શક્ય નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અંગેના ઈરાનના તાજેતરના પ્રસ્તાવને અસ્વીકાર્ય ગણાવીને ફગાવી દીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “તેઓ કરાર કરવા માંગે છે, પરંતુ તે એવો કરાર નથી જે અમે કરવા માંગીએ છીએ. તેઓ એક વર્ષ પહેલા જે શરતો સ્વીકારી શકાતી હતી તેના પર વાત કરી રહ્યા છે અને તેમણે પોતાની સ્થિતિ વધારે પડતી મજબૂત માની લેવાની ભૂલ કરી છે.”

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN) માં અમેરિકાના એમ્બેસેડર માઈક વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે, ઈરાન સત્યનિષ્ઠાથી વાટાઘાટો કરી રહ્યું નથી અને તેઓ કરાર પહેલા જ બધી છૂટછાટો માંગી રહ્યા છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ઈરાને જુલાઈ મહિનામાં થયેલા અમેરિકા-ઈરાન મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) નું ઉલ્લંઘન કરીને કોમર્શિયલ જહાજો પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે અમેરિકા ઈરાનના વચનો પર શંકા ધરાવે છે.

આ મહત્ત્વપૂર્ણ વાટાઘાટો માટે અમેરિકા તરફથી વિશેષ દૂત સ્ટીવ વિટકોફ, જેરેડ કુશ્નર, ઉપપ્રમુખ જે.ડી. વાંસ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો નેતૃત્વ કરી રહ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ, ઈરાને પરમાણુ મુદ્દાઓ પર લવચીકતા દાખવવાનો સંકેત આપ્યો છે, પરંતુ બંને પક્ષો વચ્ચે કમિટમેન્ટ્સ (વચનો) ના સમયગાળા (ટાઈમિંગ) ને લઈને હજુ સુધી કોઈ આખરી સંમતિ સધાઈ નથી.

(10:27 PM IST)