તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
બહેરીનમાં ઈરાન પ્રેરિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલા ૪૧ શંકાસ્પદોની ધરપકડથી પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ખાડી દેશની સુરક્ષા એજન્સીઓએ તેહરાનના ઈશારે કામ કરતા મોટા મોડ્યુલને તોડી પાડી અનેક ધાર્મિક હસ્તીઓની અટકાયત કરી, પ્રાદેશિક તણાવ વચ્ચે સૈન્ય થાણાઓની સુરક્ષા સઘન બનાવાઈ

મનામા : પશ્ચિમ એશિયામાં વધતા રાજકીય ગરમાવા વચ્ચે બહેરીન સુરક્ષા દળોએ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલા એક મોટા જાસૂસી નેટવર્કને નેસ્તનાબૂદ કર્યું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના કાવતરા બદલ કુલ ૪૧ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરારો પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને સમગ્ર ખાડી વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ તેજ બની છે.
બહેરીન, જે અમેરિકાના વ્યૂહાત્મક લશ્કરી થાણાઓનું કેન્દ્ર છે, ત્યાં સુરક્ષા એજન્સીઓએ વિદેશી શક્તિઓ વતી જાસૂસી અને આક્રમક ગતિવિધિઓને ટેકો આપવાના આરોપ હેઠળ તપાસ તેજ કરી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ધરપકડ કરાયેલા લોકો ઈરાની સંગઠનોના સંપર્કમાં હતા અને દેશની સ્થિરતા જોખમાય તેવા મિશન પર કામ કરી રહ્યા હતા. યુએસ અને ઈઝરાયેલના સંભવિત હુમલાઓ સામે તેહરાને જ્યારે બદલો લેવાની ધમકી આપી છે, ત્યારે બહેરીને આ આકરા પગલાં ભરી પોતાની સંરક્ષણ મજબૂત કર્યું છે.
બીજી તરફ, આ ઓપરેશન દરમિયાન કેટલાક અગ્રણી શિયા ધાર્મિક નેતાઓની ધરપકડ થતા માનવાધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. લંડન સ્થિત સંસ્થાઓએ આ દમનને ૨૦૧૧ પછીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે. ધરપકડના આ રાઉન્ડ બાદ બહેરીનના આંતરિક રાજકારણમાં પણ ઉકળાટ જોવા મળી રહ્યો છે, કારણ કે અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોઈ પણ પ્રકારની જાસૂસી કે રાષ્ટ્રવિરોધી સહાનુભૂતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
