તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની અંતિમયાત્રા માટે ઇરાન-ઇરાકના ૫ પવિત્ર શહેરોની જ કેમ પસંદગી કરાઈ? જાણો ધાર્મિક અને ભૌગોલિક મહત્વ
૨૮ ફેબ્રુઆરીએ અમેરિકાના હવાઈ હુમલામાં માર્યા ગયેલા ખામેનેઈ, તેમની પત્ની, પુત્રી, જમાઈ અને ૧૪ મહિનાની પૌત્રીના પાર્થિવ દેહને સીઝફાયર બાદ તેહરાન, કોમ, નજફ, કરબલા અને મશહદમાં અંતિમ દર્શન માટે લઈ જવાશે : ૯ જુલાઈએ ગૃહજિલ્લામાં દફનવિધિ કરાશે

તેહરાન, તા. ૭ જુલાઈ, ૨૦૨૬ : ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની અંતિમ વિદાયની ધાર્મિક રસ્મો હાલમાં ભારે સુરક્ષા વચ્ચે ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા ભયાનક હવાઈ હુમલા દરમિયાન આયતુલ્લા અલી ખામેનેઈનું અવસાન થયું હતું, જેના કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. યુદ્ધની પરિસ્થિતિને કારણે ખામેનેઈના પાર્થિવ શરીરને લાંબા સમય સુધી ફોરેન્સિક મોર્ચરીના રેફ્રિજરેટેડ કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. હવે બંને દેશો વચ્ચે સત્તાવાર સીઝફાયર (યુદ્ધવિરામ) ની ઘોષણા થયા બાદ, ખામેનેઈને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ૩ જુલાઈથી શરૂ થયેલી આ અંતિમ સંસ્કારની રસ્મો ૯ જુલાઈ સુધી ચાલશે, જેમાં વિશ્વભરના વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે.
હાલ તેહરાનની ગ્રાન્ડ મોસાલા મસ્જિદમાં રાખવામાં આવ્યો છે પાર્થિવ દેહ:
આયતુલ્લા અલી ખામેનેઈ, તેમની પત્ની, પુત્રી, જમાઈ અને ૧૪ મહિનાની નાની પૌત્રીના શબોને હાલમાં ઇરાનની રાજધાની તેહરાનની પ્રસિદ્ધ ગ્રાન્ડ મોસાલા મસ્જિદમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. જ્યાં દેશ-વિદેશથી પહોંચેલા રાજદ્વારીઓ અને પ્રતિનિધિઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ઇરાન સરકારે દેશના સર્વોચ્ચ નેતાની અંતિમ વિદાય અને રાજકીય સન્માન સાથેના અંતિમ સંસ્કાર માટે ખાસ રોડમેપ તૈયાર કર્યો છે, જે અંતર્ગત તેમના પાર્થિવ શરીરને ઇરાન અને ઇરાકના ૫ પ્રમુખ પવિત્ર શહેરોમાં લઈ જવામાં આવી રહ્યું છે.
૭ દિવસ સુધી ચાલનારા અંતિમ વિદાય કાર્યક્રમનું શેડ્યૂલ:
ખામેનેઈ વર્ષો સુધી વિશ્વના સૌથી મોટા શિયા ધર્મગુરુ અને સર્વોચ્ચ નેતા રહ્યા હોવાથી, શિયા સમુદાય અને ઇસ્લામિક માન્યતાના મુખ્ય કેન્દ્ર સમાન ૫ પવિત્ર શહેરોની પસંદગી આ મુજબ કરવામાં આવી છે:
તેહરાન (ઇરાન): ૩ જુલાઈથી ઇરાનની રાજધાની તેહરાનની ગ્રાન્ડ મોસાલા મસ્જિદથી જ અંતિમ સંસ્કારની પ્રક્રિયા અને રસ્મો વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી.
કોમ (ઇરાન): અંતિમયાત્રાના ચોથા દિવસે એટલે કે આજે ૭ જુલાઈએ ખામેનેઈના પાર્થિવ શરીરને 'કોમ' શહેરમાં લાવવામાં આવ્યું છે. કોમ શહેર શિયા ઇસ્લામના ધાર્મિક શિક્ષણનું મુખ્ય વૈશ્વિક કેન્દ્ર છે, જ્યાં અંતિમ વિદાય સાથે જોડાયેલી અનેક પરંપરાગત ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.
નજફ (ઇરાક): કોમ શહેર બાદ ૮ જુલાઈએ ખામેનેઈના શબના તાબૂતોને પડોશી દેશ ઇરાકના પવિત્ર શહેર નજફમાં લઈ જવામાં આવશે. નજફ શિયા સમુદાયના સૌથી પવિત્ર સ્થળોમાં મોખરે છે, જ્યાં ઇમામ અલી દરગાહ ખાતે ભવ્ય જાહેર અંતિમયાત્રા કાઢવામાં આવશે.
કરબલા (ઇરાક): નજફ બાદ ઇરાકના જ અન્ય એક ઐતિહાસિક અને પવિત્ર શહેર કરબલામાં પાર્થિવ શરીર લાવવામાં આવશે. અહીં ઇમામ હુસૈન અને તેમના ભાઈ અબ્બાસની પવિત્ર દરગાહ પરિસરમાં ખામેનેઈનું છેલ્લું ભવ્ય સરઘસ (જુલૂસ) કાઢવામાં આવશે.
શહદ (ઇરાન): તમામ ધાર્મિક યાત્રાઓ અને જુલૂસ પૂર્ણ થયા બાદ, આગામી ૯ જુલાઈએ ખામેનેઈના પાર્થિવ દેહને ફરી ઇરાન પરત લાવી ઉત્તર-પૂર્વીય શહેર મશહદમાં લઈ જવાશે. મશહદ એ ખામેનેઈનું મૂળ ગૃહજિલ્લો અને જન્મસ્થળ છે. ૯ જુલાઈએ જ મશહદની ઐતિહાસિક અને અત્યંત પવિત્ર ગણાતી 'ઇમામ રઝા દરગાહ' પરિસરમાં તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુપુર્દ-એ-ખાક (દફન) કરવામાં આવશે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
