<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર:ટ્રમ્પ સમક્ષ સેના પાછી ખેંચવાની કડક શરત મુકાઈ

અમેરિકા પર્સિયન ગલ્ફમાંથી લશ્કરી બળ હટાવે તો ૭ દિવસમાં ઓઈલ રૂટ સુરક્ષિત રીતે ખુલ્લો કરાશે: જાપાનીઝ એજન્સી ક્યોડો ન્યૂઝનો દાવો

તેહરાન:  મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને ક્રૂડ ઓઈલની અછતના ભય વચ્ચે ઈરાને વૈશ્વિક સમુદાય માટે એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પુરવઠા માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ને આગામી ૭ દિવસમાં તમામ વેપારી જહાજો અને તેલ ટેન્કરો માટે સુરક્ષિત રીતે ફરીથી ખોલવા ઈરાન સંમત થયું છે. જોકે, આ માટે ઈરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ પર્સિયન ગલ્ફમાંથી અમેરિકી સેના અને યુદ્ધ જહાજો પાછા ખેંચવાની કડક શરત મૂકી છે.

 'ક્યોડો ન્યૂઝ' દ્વારા ઈરાનના વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. ઈરાન સરકારના મતે, પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં યુએસ વહીવટીતંત્ર દ્વારા વધારવામાં આવેલી નૌકાદળ, ફાઈટર જેટ્સ અને મિસાઈલ ડિપ્લોયમેન્ટ શાંતિ પ્રયાસોમાં મોટો બાધક છે. જ્યાં સુધી અમેરિકા સૈન્ય દબાણ ઘટાડીને પોતાની પ્રતિબદ્ધતા સાબિત ન કરે ત્યાં સુધી દરિયાઈ માર્ગ સુરક્ષિત કરવો મુશ્કેલ છે. જો અમેરિકા આ ક્ષેત્રમાંથી પોતાના સૈન્ય બળો પાછા ખેંચે તો ઈરાન માત્ર એક સપ્તાહના સમયગાળામાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર છે.


દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે કોઈ ચમત્કારિક બેઠક કે સીધી વાતચીત થશે તેવી અટકળોનો પણ ઈરાની અધિકારીએ અંત આણ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેખિત ખાતરી કે નક્કર પરિણામો વિના ટ્રમ્પ સાથે કોઈ સત્તાવાર મંત્રણા કરવામાં આવશે નહીં. આ સંજોગોમાં હવે ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે 'બેકરૂમ ડિપ્લોમસી' જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડતી હોર્મુઝ સામુદ્રધુનીને "વિશ્વના તેલ પુરવઠાની કરોડરજ્જુ" ગણવામાં આવે છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલનો અંદાજે ૨૦ થી ૩૦ ટકા જથ્થો આ એક જ સાંકડા માર્ગેથી પસાર થાય છે. આ ઉપરાંત કતાર સહિતના ગલ્ફ દેશોમાંથી એલપીજી અને લિક્વિફાઈડ નેચરલ ગેસનો મોટાભાગનો પુરવઠો એશિયા અને યુરોપના દેશો સુધી પહોંચાડવા માટે આ રૂટ અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(7:02 PM IST)