<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ઈરાને અમેરિકા સાથે બીજા રાઉન્‍ડની બેઠક ઠુકરાવી પાકિસ્‍તાનને સોંપ્‍યો ૧૦ મુદ્દાનો ‘ગુપ્ત' શાંતિ પ્રસ્‍તાવ

ઈરાન-અમેરિકા વચ્‍ચે વાટાઘાટોની આશા પર ફેરવાયું પાણી

તેહરાન, તા.૨૦: ઈરાન અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલો રાજદ્વારી ગજગ્રાહ હવે નિર્ણાયક વળાંક પર આવી ગયો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્‍પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકા સાથે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્‍ડમાં ભાગ લેશે નહીં. ઈરાની પ્રવક્‍તાના જણાવ્‍યા અનુસાર, તેહરાને પાકિસ્‍તાન સમક્ષ એક ૧૦-મુદ્દાનો મહત્‍વપૂર્ણ પ્રસ્‍તાવ રજૂ કર્યો છે, જે આ વિસ્‍તારમાં શાંતિ સ્‍થાપવા માટેનો નવો એજન્‍ડા હોઈ શકે છે. જોકે, ઈરાને અમેરિકા પર આક્ષેપ કર્યો છે કે વોશિંગ્‍ટન રાજદ્વારી ઉકેલ માટે ગંભીર નથી અને વારંવાર વિશ્વાસઘાત કરી રહ્યું છે, જેના કારણે ટેબલ પર બેસીને ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ રહેતો નથી.

દરમિયાન, દરિયાઈ સીમા પર સ્‍થિતિ વધુ વણસી છે. અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સત્તાવાર જાહેરાત કરી છે કે ઓમાનના અખાતમાં અમેરિકી નૌકાદળે ઈરાની ધ્‍વજ ધરાવતા એક કાર્ગો જહાજને જપ્ત કરી લીધું છે. ટ્રમ્‍પના દાવા મુજબ, આ જહાજ હોર્મુઝ સ્‍ટ્રેટમાં લાદવામાં આવેલી અમેરિકી નાકાબંધીને છુપાઈને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ઘટનાના વળતા પ્રહાર તરીકે ઈરાને દાવો કર્યો છે કે તેમણે આધુનિક બોટ ડ્રોન વડે યુએસ નેવી સામે બદલો લીધો છે. આ સમુદ્રી અથડામણે વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્‍વના ગણાતા આ જળમાર્ગ પર મોટા યુદ્ધનો ખતરો પેદા કરી દીધો છે.

ઈરાનનો મુખ્‍ય રોષ લેબનોનમાં થયેલા યુદ્ધવિરામના ભંગ અને આર્થિક પ્રતિબંધો પર છે. ઈરાની વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે લેબનોનમાં બે અઠવાડિયાના યુદ્ધવિરામનો સ્‍વીકાર કરવા છતાં અમેરિકા અને ઈઝરાયલે હુમલા ચાલુ રાખ્‍યા છે. પ્રવક્‍તાએ ભારપૂર્વક કહ્યું કે, જો અમેરિકા સાથે ભવિષ્‍યમાં કોઈ પણ કરાર થાય, તો તેમાં માત્ર વાતો નહીં પણ વ્‍યવહારિક ગેરંટી હોવી જોઈએ. ઈરાને આંતરરાષ્‍ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ હોર્મુઝ સ્‍ટ્રેટમાં અમેરિકી હસ્‍તક્ષેપ રોકે, કારણ કે તેહરાન માને છે કે જ્‍યાં સુધી પ્રતિબંધો હટાવવાની કોઈ નક્કર દરખાસ્‍ત નહીં મળે, ત્‍યાં સુધી કોઈ પણ વાટાઘાટો નિરર્થક છે

(3:40 PM IST)