તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
ઈરાને કહ્યું- કોઈપણ દબાણ સામે ઝુકશું નહીં :ઈરાન અને અમેરિકા વચ્ચેનો વિવાદ હવે અત્યંત ગંભીર અને જોખમી વળાંક પર પહોંચ્યો
અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો લાદવાની સાથે પોતાનું આશરે 400 કિલોગ્રામ યુરેનિયમ અમેરિકાને સોંપવાની માગ કરી

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો વિવાદ હવે એક અત્યંત ગંભીર અને જોખમી વળાંક પર પહોંચી ગયો છે. બંને દેશોએ એકબીજા સામે આકરી શરતો મૂકી દીધી છે, જેના કારણે યુદ્ધની આશંકાઓ ફરી પ્રબળ બની છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો લાદવાની સાથે પોતાનું આશરે 400 કિલોગ્રામ યુરેનિયમ અમેરિકાને સોંપવાની માગ કરી છે. આ ઉપરાંત વોશિંગ્ટને ઈરાનની વિદેશોમાં ફસાયેલી સંપત્તિનો 25 ટકા હિસ્સો અટકાવી રાખીને માત્ર એક જ પરમાણુ કેન્દ્ર ચાલુ રાખવાની શરત મૂકી છે, જેને ઈરાની મીડિયાએ અમેરિકાની જોહુકમી ગણાવી છે.
સામે પક્ષે ઈરાને પણ નમતું જોખવાનો ઈનકાર કરતા પોતાની 5 મુખ્ય શરતો અમેરિકા સમક્ષ રજૂ કરી છે. ઈરાનની માગ છે કે લેબેનાન સહિતના તમામ મોરચે સંઘર્ષનો તાત્કાલિક અંત આવે, તેના પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને યુદ્ધમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે. આ સાથે જ ઈરાને વૈશ્વિક ઓઇલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'હોર્મુઝ પર પોતાની સંપૂર્ણ સંપ્રભુતા સ્વીકારવાની આકરી માગ કરી છે. ઈરાની સશસ્ત્ર દળોએ ચેતવણી આપી છે કે જો ફરી હુમલો થશે તો તેનો વળતો પ્રહાર અગાઉ કરતાં વધુ વિનાશક અને ભયાનક હશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 14 મુદ્દાના શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ સ્થિતિ વધુ વણસી છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો અમેરિકા તેમની શરતો નહીં માને તો તેણે આની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. સંરક્ષણ અને આર્થિક નિષ્ણાતોના મતે, જો હોર્મુઝના દરિયાઈ માર્ગે પરિવહન ખોરવાશે તો વૈશ્વિક ઊર્જા બજારોમાં ઓઇલની કિંમતો આસમાને આંબી જશે, જેની સીધી અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
