તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
અમેરિકા અને ઈઝરાયેલના હુમલાથી ઈરાનને ₹ 22.68 લાખ કરોડનું નુકસાન : વળતરની માંગ સાથે તેહરાને મૂકી આકરી શરતો
ઈસ્લામાબાદ મંત્રણામાં ઈરાને પરમાણુ અધિકાર અને તમામ પ્રતિબંધો હટાવવાની કરી માંગ : નૌકાબંધીને કારણે અર્થતંત્રના મુખ્ય સ્ત્રોત એવા ઓઈલ નિકાસ પર અમેરિકાએ ભીંસ વધારી

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે આર્થિક નુકસાનના આંકડા સામે આવ્યા છે. ઈરાન સરકારના પ્રવક્તા ફાતેમા મોહાજેરાનીના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓને કારણે અત્યાર સુધીમાં અંદાજે ₹22,68,000 કરોડ (270 અબજ ડોલર) જેટલું જંગી નુકસાન થયું છે. જોકે, આ આંકડો હજુ અંતિમ નથી અને તેમાં વધારો થવાની શક્યતા છે.
શાંતિ માટે ઈરાનની ત્રણ મુખ્ય શરતો:
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા દરમિયાન ઈરાને પોતાની માંગણીઓ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાને શાંતિ સ્થાપવા માટે ત્રણ મુખ્ય શરતો મૂકી છે:
1. યુદ્ધમાં થયેલા નુકસાન પેટે ₹22.68 લાખ કરોડનું વળતર ચૂકવવું.
2. યુરેનિયમ સંવર્ધન માટેના ઈરાનના અધિકારને માન્યતા આપવી.
3. ઈરાન પર લાદવામાં આવેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો તાત્કાલિક અસરથી હટાવવા.
અમેરિકાનો નકાર અને નૌકાબંધીની અસર:
ઈરાનની આ શરતો સામે અમેરિકાએ પોતાનું વલણ કડક રાખ્યું છે. પરમાણુ હથિયારો અને સંવર્ધનના મુદ્દે અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ બાબતે કોઈ બાંધછોડ કે વાટાઘાટો શક્ય નથી. બીજી તરફ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાબંધીને કારણે ઈરાનની હાલત કફોડી બની રહી છે. ઈરાન સરકારની કુલ આવકના 50% હિસ્સો તેલની નિકાસમાંથી આવે છે, જે નૌકાબંધીને કારણે અત્યારે સંપૂર્ણપણે અટકી પડી છે.
વાટાઘાટોમાં પેચ:
રાજકીય વિશ્લેષકો માને છે કે ₹22.68 લાખ કરોડની જંગી માંગ અને પરમાણુ કાર્યક્રમ પરની જીદ એવું વલણ નથી કે જેનાથી કોઈ વહેલી તકે ઉકેલ આવે. જેમ જેમ નૌકાબંધી લાંબી ખેંચાશે, તેમ તેમ ઈરાનની સોદાબાજી કરવાની શક્તિ (Leverage) ઘટતી જશે. હાલના તબક્કે બંને પક્ષો પોતાની જીદ પર અડગ હોવાથી શાંતિ મંત્રણામાં મોટો અવરોધ જોવા મળી રહ્યો છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
