News of Saturday, 18th April 2026
ઈરાન-અમેરિકા શાંતિ વાટાઘાટોમાં ફરી ‘ડેડલોક’: પાકિસ્તાનની મધ્યસ્થી છતાં કોઈ ઉકેલ નહીં, આગામી બેઠક માટે તારીખ નક્કી કરવામાં ઈરાનનો ઈનકાર!
તુર્કીમાં ઈરાની મંત્રીની સ્પષ્ટતા: "પહેલા માળખું નક્કી કરો, પછી જ ટેબલ પર આવીશું", પ્રારંભિક રાઉન્ડની નિષ્ફળતા બાદ વિશ્વના બે શક્તિશાળી દેશો વચ્ચે તણાવ યથાવત

અંતાલ્યા (તુર્કી): વિશ્વના રાજકારણમાં જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે તે ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટો ફરી એકવાર અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ છે. તુર્કીના અંતાલ્યા ખાતે આયોજિત વાર્ષિક ડિપ્લોમસી ફોરમમાં ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખાતીબઝાદેહે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, બંને દેશો વચ્ચેના આગામી રાઉન્ડની બેઠક માટે અત્યારે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
મધ્યસ્થી નિષ્ફળ રહેતા મડાગાંઠ વધી
પાકિસ્તાન દ્વારા બંને દેશોને એક મંચ પર લાવવા માટે જે મધ્યસ્થી કરવામાં આવી હતી, તેનો પ્રથમ રાઉન્ડ કોઈ ખાસ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યો છે. ખાતીબઝાદેહે જણાવ્યું હતું કે, "જ્યાં સુધી અમે વાટાઘાટોના ચોક્કસ માળખા (Framework) પર સંમત ન થઈએ, ત્યાં સુધી નવી તારીખ નક્કી કરવાનો કોઈ અર્થ નથી." આ નિવેદન દર્શાવે છે કે બંને પક્ષો વચ્ચે શરતો અને મુદ્દાઓને લઈને હજુ પણ ઊંડી ખાઈ રહેલી છે.
હોર્મુઝના તણાવ વચ્ચે રાજદ્વારી મડાગાંઠ
એક તરફ હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાની ગનબોટ્સ અને અમેરિકન નાકાબંધીને કારણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ રાજદ્વારી સ્તરે પણ કોઈ સંમતિ સધાતી દેખાતી નથી. ઈરાનનું આ વલણ એવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય પશ્ચિમ એશિયામાં શાંતિની આશા રાખી રહ્યો હતો.
યુએસ નાકાબંધી અને ઈરાનની અક્કડતા
અમેરિકા દ્વારા ઈરાની બંદરો પર કરવામાં આવેલી નૌકાદળની નાકાબંધી અને આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાન અત્યારે બેકફૂટ પર આવવાને બદલે વધુ આક્રમક તેવર બતાવી રહ્યું છે. અંતાલ્યામાં ઈરાની મંત્રીની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે તેહરાન પોતાની શરતો પર જ વાટાઘાટો કરવા માંગે છે.
હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન કે અન્ય કોઈ દેશ આ મડાગાંઠ ઉકેલવા માટે નવી શું રણનીતિ અપનાવે છે. અત્યારે તો ઈરાન અને વોશિંગ્ટન વચ્ચેનો આ શીતયુદ્ધ જેવો માહોલ વિશ્વના તેલ બજાર અને દરિયાઈ સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
