તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ઈરાન યુદ્ધથી દુનિયામાં મોટાપાયે એનર્જી સંકટ :ગેસ સપ્લાઈ ખોરવાતા અનેક દેશોમાં મોંઘવારી વધી :ક્યાંક 4 દિવસની ઓફિસ,ક્યાંક પેટ્રોલ કે ગેસ ખરીદવાની મર્યાદા લાગુ
પીએમ મોદીએ લોકોને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી:ક્રૂડ ઓઇલના ભાવ એક સમયે 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી દુનિયા હવે મોટા એનર્જી ક્રાઇસિસનો સામનો કરી રહી છે. તેલ અને ગેસ સપ્લાય ખોરવાતા અનેક દેશોમાં મોંઘવારી વધી રહી છે અને સરકારો હવે લોકોને બચત માટે કડક નિયમો અપનાવવા મજબૂર બની ગઈ છે. ક્યાંક ઓફિસ માત્ર 4 દિવસ ચાલી રહી છે, તો ક્યાંક પેટ્રોલ અને ગેસ ખરીદવાની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.
ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી છે. કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ એક સમયે 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા.
ફિલિપાઇન્સે ફ્યુઅલ બચાવવા માટે 4 દિવસનું વર્ક વીક શરૂ કરી દીધું છે. સાથે ગરીબ પરિવારોને સબસિડી પણ આપવામાં આવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ત્યાં સરકારે 4 દિવસની ઓફિસ, વર્ક ફ્રોમ હોમ અને શાળા-કોલેજો પણ થોડા સમય માટે બંધ કરી દીધાં હતાં.
થાઈલેન્ડે ડીઝલ પર મળતી સબસિડી બંધ કરી દીધી છે કારણ કે સરકારનો ફંડ ખાલી થવા લાગ્યો હતો. જ્યારે વિયેતનામમાં ઈંધણની અછતને કારણે ફ્લાઇટ્સ ઘટાડવી પડી છે. ટૂરિઝમ પર પણ તેની સીધી અસર પડી રહી છે.
જાપાને હવે મિડલ ઈસ્ટના બદલે અમેરિકાથી મોંઘું તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. ચીને તો દેશની અંદર સપ્લાય જળવાઈ રહે તે માટે ફ્યુઅલ અને ખાતરના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
બાંગ્લાદેશમાં ગેસ અને વીજળીનું મોટું સંકટ ઉભું થયું છે. સરકારે ઈંધણ ખરીદવાની મર્યાદા નક્કી કરી દીધી છે અને ઓઇલ ડિપો પર સેનાની તૈનાતી પણ કરાઈ છે. જ્યારે નેપાળમાં હવે LPG સિલિન્ડર અડધા જ ભરવામાં આવી રહ્યા છે જેથી સ્ટોક લાંબો ચાલે.
યુરોપના ઘણા દેશોએ તો બંધ થનારા કોલસા આધારિત પાવર પ્લાન્ટ ફરી શરૂ કરી દીધા છે. કારણ કે એનર્જી સપ્લાય જાળવવી હવે સૌથી મોટો પડકાર બની ગયો છે.
એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ જલ્દી નહીં ખુલે તો આગામી સમયમાં પેટ્રોલ, ગેસ, વીજળી, ટ્રાન્સપોર્ટ અને ખાદ્ય વસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે. એટલે હવે દુનિયાભરના દેશો માટે “એનર્જી બચાવવી” માત્ર સલાહ નહીં… પણ જરૂરિયાત બની ગઈ છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
