News of Saturday, 20th June 2026
કરાર માટે ઈરાન બેચેન હતું, અમે નહીં ઈરાનને હવે ફૂટી કોડી પણ નહીં મળે
ખામેનેઇ ઉપર ટ્રમ્પનો આકરો પ્રહાર: ઈરાન સમાપ્ત થઈ ગયું, હવે દસ સેન્ટ પણ નહીં આપીએ: ટ્રમ્પના નિવેદનથી રાજદ્વારી ગરમાવો

વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચેના વચગાળાના કરાર બાદ રાજદ્વારી મોરચે ફરી ગરમાવો આવ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇએ ટ્રમ્પ કરાર માટે બેચેન હતા તેવો દાવો કર્યા બાદ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું કે બેચેન તો ઈરાન હતું, અમેરિકા નહીં. ટ્રમ્પે ઈરાનને “સમાપ્ત” ગણાવી કહ્યું કે ૬૦ દિવસની વાટાઘાટ આગળ વધશે, પરંતુ ઈરાનને કોઈ નાણાકીય રાહત નહીં મળે.
અમેરિકા-ઈરાન વચગાળાના શાંતિ કરાર બાદ રાજદ્વારી ખેંચતાણ વધુ તીવ્ર બની છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આક્રમક પોસ્ટમાં લખ્યું કે “બેચેનીમાં અમે ઈરાનને મળ્યા નહોતા, ઈરાન મળવા આવ્યું હતું. તેઓ સમાપ્ત થઈ ગયા છે. અમે ૬૦ દિવસની પ્રક્રિયા આગળ વધારશું, પરંતુ તેમને કોઈ નાણાં નહીં મળે, દસ સેન્ટ પણ નહીં.” સ્વિટ્ઝર્લેન્ડમાં થનારી અમેરિકા-ઈરાન વાટાઘાટો લેબેનોનમાં ફરી લડાઈ ભડકતા રદ થઈ હતી, જેના કારણે કરારની આગળની પ્રક્રિયા ઉપર અનિશ્ચિતતા ઊભી થઈ છે.
અગાઉ મોજતબા ખામેનેઇએ કહ્યું હતું કે તેમણે મતભેદ હોવા છતાં ઈરાનના હિતો અને “રેઝિસ્ટન્સ ફ્રન્ટ”ના રક્ષણના આશ્વાસન બાદ કરારને મંજૂરી આપી હતી. તેમણે અમેરિકાને ચેતવણી આપી કે ભવિષ્યની સીધી વાટાઘાટોને અમેરિકી શરતો સ્વીકારવા તરીકે ન સમજવી જોઈએ અને વધારે પડતી માગણીઓ ઈરાન સ્વીકારશે નહીં.
આ કરારમાં ૧૪ મુદ્દાનો વચગાળાનો ફ્રેમવર્ક, ૬૦ દિવસમાં અંતિમ કરાર માટે વાટાઘાટો, હોર્મુઝ જળમાર્ગ મારફતે જહાજોને સુરક્ષિત અવરજવર અને શરૂઆતના ૬૦ દિવસ માટે પસાર ફીમાંથી છૂટ જેવી બાબતોનો સમાવેશ થાય છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પણ ઈરાની બંદરો તરફ જતા-આવતા જહાજો ઉપરના અવરોધો હટાવ્યા હોવાનું જણાવ્યું હતું.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
