News of Sunday, 26th April 2026
પર્સિયન ગલ્ફમાં ઈરાની મિસાઈલ વર્ષાથી અમેરિકી સૈન્ય અડ્ડાઓનો કુરચો બોલી ગયો: લશ્કરી થાણાઓને બેઠા કરવા વોશિંગ્ટનને અબજો ડોલરનો ધુમાડો કરવો પડશે
ખુફિયા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: ઈરાનના આક્રમક હુમલામાં યુએસના વ્યૂહાત્મક ઠેકાણાઓ ભારે ક્ષતિગ્રસ્ત થતા સત્તાવાર આંકડા છુપાવવાની મજબૂરી, ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા જંગે ખાડી દેશોમાં સૈન્ય સંતુલન બગાડ્યું

દુબઈ : પર્સિયન ગલ્ફમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાઓએ અમેરિકી સૈન્ય શક્તિને જબરદસ્ત ફટકો માર્યો છે. તાજેતરના રિપોર્ટ મુજબ, ખાડી ક્ષેત્રમાં આવેલા યુએસ લશ્કરી મથકોને અગાઉના અંદાજ કરતા અનેકગણું વધુ નુકસાન પહોંચ્યું છે. મિસાઈલ અને ડ્રોન મારો એટલો પ્રચંડ હતો કે અમેરિકાના અત્યાધુનિક સંરક્ષણ કવચને ભેદીને ઈરાની શસ્ત્રોએ સૈન્ય અડ્ડાઓના પાયા હચમચાવી દીધા છે. સુરક્ષાના કારણોસર નુકસાનની ચોક્કસ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ વિધ્વંસના સમારકામ પાછળ અમેરિકાએ અબજો ડોલરની તિજોરી ખાલી કરવી પડશે.
૨૮ ફેબ્રુઆરીથી ફાટી નીકળેલા આ ભયાનક યુદ્ધમાં ઈરાને પાડોશી દેશોમાં આવેલા અમેરિકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને સીધું નિશાન બનાવ્યું છે. આ હુમલાઓએ માત્ર ઇમારતોને જ નહીં, પરંતુ ત્યાં તૈનાત મોંઘા લશ્કરી સાધનો અને રડાર સિસ્ટમને પણ કચડી નાખી છે. વોશિંગ્ટન અત્યારે આ નુકસાનનું આકલન કરી રહ્યું છે, જેમાં પ્રારંભિક અંદાજો જ અબજો ડોલરને પાર કરી ગયા છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, આટલા મોટા પાયે થયેલા વિનાશને પુનઃસ્થાપિત કરવામાં મહિનાઓનો સમય લાગી શકે છે, જેની સીધી અસર પશ્ચિમી દેશોની વ્યૂહાત્મક પકડ પર પડશે.
ઈરાનનો આ વળતો પ્રહાર પર્સિયન ગલ્ફમાં યુએસની હાજરી માટે ખતરાની ઘંટડી સમાન માનવામાં આવે છે. પન્ટાગોન દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે નુકસાનના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ વૈશ્વિક મિલિટરી એનાલિસ્ટ્સ આને દાયકાનો સૌથી ખર્ચાળ સંરક્ષણ ફટકો ગણાવી રહ્યા છે. પ્રદેશના અન્ય દેશો પણ આ સંઘર્ષની લપેટમાં આવતા હવે ખાડીમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અમેરિકા હવે આ નુકસાનની ભરપાઈ કરવા માટે કયા નવા પગલાં ભરે છે અને સંરક્ષણ બજેટમાં કેવો મોટો ફેરફાર કરે છે તેના પર આખા વિશ્વની નજર ટકેલી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
