<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

"ઈરાનીઓ અમેરિકાની નજર વગર બાથરૂમ પણ જઈ શકતા નથી!" - ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન પર જાસૂસીનો ચોંકાવનારો દાવો!

હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણનો દાવો: ઈરાન મિસાઈલ અને નેવલ રોકેટો ફરી લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો ટ્રમ્પનો ગંભીર આક્ષેપ

વોશિંગ્ટન | તા.૦૩: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સર્વેલન્સ અને જાસૂસી સિસ્ટમ પર એક અત્યંત અસામાન્ય અને ચોંકાવનારો દાવો કર્યો છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ઈરાનની નાની-નાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે, "ઈરાનીઓ અમેરિકાની નજર બહાર બાથરૂમ પણ જઈ શકતા નથી અને તેમની દરેક હિલચાલ પર આપણી પલ-પલની નજર છે."

ટ્રમ્પે આ તકે ઈરાન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરતા દાવો કર્યો હતો કે ઈરાન લશ્કરી રીતે સંપૂર્ણપણે પરાજિત થઈ ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર અમેરિકાનું પૂર્ણ નિયંત્રણ છે, જ્યાંથી દરરોજ લાખો બેરલ તેલ લઈને જતા જહાજો વગર કોઈ મોટા અવરોધે પસાર થઈ રહ્યા છે.

પોતાના નિવેદનમાં ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ઈરાન તેની રડાર સિસ્ટમ્સ, મિસાઈલ પોઈન્ટ્સ અને દરિયાઈ માઈન્સ (Mines) ફેંકી શકે તેવા ખાસ પ્રકારના રોકેટો ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેમણે કહ્યું, "ઈરાન સમુદ્રમાં માઈન્સ ફેંકી શકે તેવું રોકેટ બનાવી રહ્યું હતું, જેને અમે સમયસર નષ્ટ કરી દીધું છે. તેઓ જે કંઈ પણ બનાવી રહ્યા છે તે બધું અમે જોઈ શકીએ છીએ, તેઓ આપણી નજરથી ક્યાંય ભાગી શકે તેમ નથી."

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈરાન પર થયેલા અમેરિકી અને ઇઝરાયલી હુમલા બાદ સમગ્ર પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ ખૂબ જ તંગ બની છે. ઈરાને પણ બહેરીન અને કુવૈતમાં આવેલા યુએસ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ અગાઉ થયેલો અલ્પજીવી યુદ્ધવિરામ ભંગ થતાં હવે આ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર મોટા યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે.

(3:57 PM IST)