<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

અમેરિકાની એરસ્‍ટ્રાઈક સામે ઈરાનનો વળતો પ્રહાર

કુવૈતમાં યુએસ એરબેઝ પર ડ્રોન અને મિસાઈલનો વરસાદઃ શાંતિ મંત્રણાનું સૂરસૂરિયું

કુવૈત, તા.૨૮: આજની વહેલી સવાર મધ્‍ય-પૂર્વ માટે લોહિયાળ સાબિત થઈ છે. ઈરાનના વ્‍યૂહાત્‍મક રીતે મહત્‍વપૂર્ણ એવા બંદર અબ્‍બાસ એરપોર્ટ નજીક અમેરિકી સૈન્‍યએ ઓચિંતો હુમલો કરી ઈરાનના ત્રણ ડ્રોનને હવામાં જ ફૂંકી માર્યા હતા. અમેરિકાએ આ હુમલાને રક્ષણાત્‍મક કાર્યવાહી ગણાવી દાવો કર્યો હતો કે ઈરાન ચોથું ડ્રોન લોન્‍ચ કરવાની તૈયારીમાં હતું, જે તેમના દળો માટે જોખમી હતું. આ હુમલાએ બંદર અબ્‍બાસના નૌકાદળના અડ્ડાની આસપાસના વિસ્‍તારને ધ્રુજાવી દીધો હતો અને વર્ષોથી ચાલી રહેલા તણાવને એકાએક વિસ્‍ફોટક વળાંક આપી દીધો છે.

અમેરિકાના આ આક્રમણના ગણતરીના કલાકોમાં જ ઈરાનના ઈસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સ એ ઓપરેશન રિવેન્‍જ શરૂ કર્યું હતું. સવારે ૪:૫૦ વાગ્‍યે ઈરાને કુવૈત સ્‍થિત યુએસ એરબેઝ પર મિસાઈલો અને સશષા ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો. કુવૈતે આ હુમલાની પુષ્ટિ કરતા સમગ્ર પંથકમાં ઈમરજન્‍સી જાહેર કરી છે. IRGC એ સત્તાવાર નિવેદન જારી કરીને ચેતવણી આપી છે કે જો અમેરિકા ફરી આવી ભૂલ કરશે, તો તેમનો આગામી પ્રતિસાદ આનાથી પણ વધુ ઘાતક અને નિર્ણાયક હશે. આ વળતા હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાન હવે રક્ષણાત્‍મક મોડ છોડીને સીધા પ્રહારની નીતિ અપનાવી રહ્યું છે.

આ સૈન્‍ય સંઘર્ષ એવા સમયે થયો છે જ્‍યારે પડદા પાછળ શાંતિ કરાર માટેની વાટાઘાટો ચાલી રહી હતી. એક તરફ રાજદ્વારી પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સ્‍પષ્ટ શબ્‍દોમાં ધમકી આપી છે કે જો કરાર પર સહમતિ નહીં સધાય, તો ઈરાન પર અત્‍યાર સુધીના સૌથી મોટા હુમલા કરવામાં આવશે. આ શબ્‍દયુદ્ધ અને સજ્જ હથિયારો વચ્‍ચે મધ્‍ય-પૂર્વમાં કાયમી યુદ્ધવિરામની આશા હવે ધૂંધળી બની રહી છે. સમગ્ર વિશ્વની નજર હવે કુવૈત અને ઈરાનના આ સીમાડાઓ પર ટકેલી છે, કારણ કે આ નાની ઠેણગી વિશ્વયુદ્ધમાં પરિવર્તિત થવાની ક્ષમતા ધરાવે છે. 

 

(10:45 AM IST)