<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ઈરાનના મુશ્કેલ સમયમાં ભારત બન્યું ‘સંકટમોચન’: કરોડોનું દાન અને દવાઓનો જથ્થો પહોંચતા ઈરાન દૂતાવાસે કહ્યું- ‘થેન્ક યૂ ઈન્ડિયા’, ભારતીયોની ઉદારતા જોઈ આખું વિશ્વ સ્તબ્ધ!

કોઈએ ઘરેણાં આપ્યા તો કોઈએ પૂર્વજોની નિશાનીઓ દાન કરી: યુદ્ધમાં ફસાયેલા ઈરાનીઓની વહારે આવ્યા ભારતીયો, કાશ્મીરથી કન્યાકુમારી સુધી મદદનો ધોધ વહ્યો, તબીબી સહાયથી ભરેલું બીજું જહાજ રવાના

નવી દિલ્હી,: અમેરિકા સાથેના ભયાનક સંઘર્ષ અને 43 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન અત્યારે માનવીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. આવા કપરા સમયમાં ભારત અને તેના લોકોએ જે રીતે મદદનો હાથ લંબાવ્યો છે, તેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભારત સ્થિત ઈરાની દૂતાવાસ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સતત 'Thank you, India' પોસ્ટ લખીને ભારતીયોનો આભાર માની રહ્યું છે.
ભારત સરકાર અને જનતાની સંયુક્ત મદદ
શનિવારે ભારત સરકાર દ્વારા દવાઓ અને તબીબી સામગ્રીથી ભરેલું બીજું મોટું જહાજ ઈરાન માટે રવાના કરવામાં આવ્યું હતું. આ સામગ્રી ઈરાનની 'રેડ ક્રેસન્ટ સોસાયટી'ને સોંપવામાં આવશે. ઈરાની રાજદૂતે એક વીડિયો સંદેશ દ્વારા ભારત સરકાર અને ભારતીય જનતાના મોટા દિલની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભારતીયોએ માત્ર પૈસા જ નહીં, પણ ભાવનાઓ પણ દાનમાં આપી છે.
મદદના ભાવુક કિસ્સાઓ: ઘરેણાં અને વાસણોનું દાન
ભારતીયોની ઉદારતાના એવા કિસ્સાઓ સામે આવ્યા છે જે આંખમાં આંસુ લાવી દે તેવા છે. કાશ્મીરમાં લોકોએ પોતાના સોના-ચાંદીના ઘરેણાં અને પિત્તળ-તાંબાના કિંમતી વાસણો પણ ઈરાનની મદદ માટે આપી દીધા છે. એક અહેવાલ મુજબ, એક મહિલાએ તો તેના પૂર્વજોની છેલ્લી નિશાની તરીકે સાચવી રાખેલા દાગીના પણ દાનમાં આપી દીધા. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશના લખનઉ અને દિલ્હી જેવા શહેરોમાંથી પણ ઓનલાઈન ફંડનો મોટો પ્રવાહ વહ્યો છે.
એક મરઘીની હરાજી અને 1.25 લાખનું દાન
મદદ કરવાની ઈચ્છા હોય તો રસ્તો મળી જ રહે છે, તેનું ઉત્તમ ઉદાહરણ એક વ્યક્તિએ પૂરું પાડ્યું છે. તેણે પોતાની મરઘીની હરાજી કરી હતી, જે 1.25 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ તમામ રકમ તેણે ઈરાન રાહત ફંડમાં જમા કરાવી દીધી હતી. આવા અસંખ્ય નાના-મોટા યોગદાનને કારણે ઈરાનને આ યુદ્ધના સમયમાં મોટી રાહત મળી છે.
QR કોડ હવે બંધ
ભારત સ્થિત ઈરાની દૂતાવાસે અગાઉ આર્થિક મદદ માટે એક QR કોડ જાહેર કર્યો હતો. જોકે, ભારતીયો તરફથી એટલી મોટી માત્રામાં સહાય મળી છે કે હવે દૂતાવાસે આ QR કોડ બંધ કરી દીધો છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય લોકોની આ ઉદારતાને ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે.
આ ઘટના સાબિત કરે છે કે રાજકીય તણાવ અને યુદ્ધની વચ્ચે પણ માનવતાનો સૂર સૌથી ઉપર હોય છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાર્થક કરતા ભારતીયોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ મિત્રતા નિભાવવામાં ક્યારેય પાછળ પડતા નથી.

(11:14 PM IST)