<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ઈરાનનું નવું ડિજિટલ હથિયાર: હોર્મુઝ સ્ટ્રેટમાં ઈન્ટરનેટ કેબલ્સ પર નિયંત્રણ અને ટેક્સની જાહેરાત સાથે વિશ્વભરમાં 'બ્લેકઆઉટ'નો ભય તોળાયો

અમેરિકા દ્વારા ઓઈલ ટેન્કરોની નાકાબંધીના બદલામાં તેહરાને ખાડીમાંથી પસાર થતા ૭ અંડરસી કેબલ્સને બનાવ્યા નિશાન: વિદેશી ઓપરેટરો માટે પરમિટ અને ફી ફરજિયાત કરી વૈશ્વિક સંદેશાવ્યવહાર પર પકડ મજબૂત કરવાની ઈરાની રણનીતિથી ભારે ખળભળાટ

તેહરાન: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે તેલના કૂવાઓથી આગળ વધીને ઈન્ટરનેટની દુનિયામાં પ્રવેશ્યો છે. અમેરિકાએ છેલ્લા ૭૨ કલાકમાં ઈરાનના ત્રણ ઓઈલ ટેન્કરોને નિષ્ક્રિય કરી દેતા બદલાની આગમાં સળગતા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા સાત મહત્વપૂર્ણ અંડરસી ઈન્ટરનેટ કેબલ્સ પર નિયંત્રણ મેળવવાની ચોંકાવનારી યોજના જાહેર કરી છે. નવી નીતિ મુજબ હવે આ વિસ્તારમાંથી ડેટા પસાર કરવા માટે વિદેશી કંપનીઓએ ઈરાન પાસેથી પરમિટ મેળવવી પડશે અને તગડી ફી ચૂકવવી પડશે. જો ફી નહીં ચૂકવવામાં આવે તો ઈરાને કેબલ કાપી નાખીને વિશ્વભરમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરવાની ગંભીર ચેતવણી આપી છે, જેની સીધી અસર બેંકિંગ, સ્ટોક માર્કેટ અને વૈશ્વિક ક્લાઉડ સેવાઓ પર પડી શકે છે.

ઈરાનની આ આક્રમક જાહેરાત બાદ વૈશ્વિક વેપારમાં મોટો અવરોધ પેદા થયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી એક પણ વાણિજ્યિક જહાજ પસાર થયું નથી. અમેરિકાએ વળતો પ્રહાર કરતા ઈરાનને મદદ કરનારી ત્રણ ચીની સેટેલાઇટ કંપનીઓ પર આકરા પ્રતિબંધો લાદી દીધા છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેના વધુ કોઈ તેલ ટેન્કરને સ્પર્શ કરવામાં આવશે, તો તે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકાના લશ્કરી થાણાઓ પર હુમલો કરશે. આ ધમકીઓને પગલે ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેલ તથા ગેસના ટેન્કરો દરિયામાં જ ફસાઈ ગયા છે.

તણાવ ઘટાડવા માટે કતાર, તુર્કી અને ઇજિપ્ત જેવા દેશો મધ્યસ્થી તરીકે સક્રિય બન્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કતારના વડાપ્રધાન સાથે બેઠકો યોજી શાંતિનો માર્ગ શોધવા પ્રયાસો કર્યા છે, પરંતુ ઈરાને અમેરિકાના એક પાનાના શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી આ ગંભીર ભૌગોલિક રાજકીય કટોકટી હવે માત્ર પ્રાદેશિક મુદ્દો ન રહેતા વૈશ્વિક ડિજિટલ ઈકોનોમી માટે મોટું જોખમ બનીને ઉભરી છે.

(1:03 PM IST)