<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ઈરાનના નવા સર્વોચ્ચ નેતાની ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી: ‘વિદેશી શક્તિઓને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દઈશું’, પરમાણુ અને મિસાઈલ ક્ષમતા મુદ્દે મૌજતબા ખામેનેઈ આક્રમક

પિતાના અવસાન બાદ સત્તા સંભાળનાર મૌજતબાએ અમેરિકા સામે ખોલ્યો મોરચો; પર્સિયન ગલ્ફમાં બાહ્ય દળો માટે કોઈ સ્થાન નથી, ઈરાન હવે ‘વૈશ્વિક વ્યવસ્થા’ ના નવા પ્રકરણમાં પ્રવેશ્યું હોવાનો હુંકાર

તેહરાન:અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત સ્ફોટક વળાંક પર આવી ગયા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મૌજતબા ખામેનેઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશી દળોને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે, હજારો કિલોમીટર દૂરથી લાલચુ ઈરાદા સાથે આવતી શક્તિઓ માટે પર્સિયન ગલ્ફના ઊંડા પાણી સિવાય બીજી કોઈ જગ્યા નથી. પિતાના અવસાન બાદ સર્વોચ્ચ નેતા બન્યાના સાત અઠવાડિયા પછી પણ જાહેરમાં ન દેખાયેલા મૌજતબાએ લેખિત સંદેશ દ્વારા પોતાનો આક્રમક મિજાજ સ્પષ્ટ કર્યો છે.
ઈરાનના સરકારી મીડિયા પર પ્રસારિત સંદેશ મુજબ, ખામેનેઈએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પોતાની પરમાણુ અને મિસાઈલ ક્ષમતાઓ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. તેમણે કહ્યું કે, ઈરાન હવે પ્રાદેશિક અને વૈશ્વિક વ્યવસ્થાના એક નવા અધ્યાયમાં પ્રવેશી ચૂક્યું છે. નોંધનીય છે કે, અમેરિકા સાથેના કોઈપણ સંભવિત કરારમાં આ બંને મુદ્દાઓ મુખ્ય વિવાદનું કેન્દ્ર રહ્યા છે, પરંતુ ઈરાને હવે તેના સંરક્ષણ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાની બંદરોની લાંબા સમય સુધી નાકાબંધી કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે આર્થિક દબાણ વધારીને ઈરાનને ફરીથી વાતચીતના ટેબલ પર લાવવામાં આવે અને યુદ્ધનો અંત લાવવામાં આવે. જોકે, મૌજતબાના સંદેશાએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન આવા કોઈ દબાણ સામે ઝૂકવાને બદલે વળતો પ્રહાર કરવા તૈયાર છે.
બીજી તરફ, અમેરિકી વિદેશ મંત્રી માર્ક રુબિયોએ તાજેતરમાં જ અયાતુલ્લા (મૌજતબા) જીવિત હોવાના સંકેતો આપ્યા હતા, પરંતુ સાથે જ તેમની ‘ધાર્મિક યોગ્યતા’ પર સવાલો ઉઠાવ્યા હતા. રુબિયોએ પૂછ્યું હતું કે શું મૌજતબા પાસે ખરેખર સર્વોચ્ચ નેતા તરીકે કામ કરવા માટે જરૂરી ધાર્મિક લાયકાત છે? અમેરિકાના આ કટાક્ષ અને ટ્રમ્પની કડક નીતિઓ વચ્ચે ઈરાને હવે દરિયાઈ સીમાઓમાં વિદેશી હસ્તક્ષેપ સામે લાલ આંખ કરી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે

(9:25 PM IST)