<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ઈરાનના પરમાણુ મથક 'બુશેહર' અને અન્ય ૪ બંદરો પર પ્રચંડ વિસ્ફોટો : ડોનાલ્ડ ટ્રમ્પે સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 'ખાર્ગ' ટાપુને નિશાન બનાવવાની આપી ચેતવણી

અમેરિકા હજુ શીખ્યું નથી, જો તમે હુમલો કરશો તો વળતો પ્રહાર થશે જ" : ઈરાનની સંસદના સ્પીકર કાલિબાફનો 'એક્સ' પર લલકાર

વોશિંગ્ટન/તહેરાન: ઓમાનના દરિયાકાંઠે ઈરાન દ્વારા વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા બાદ અમેરિકાએ ઈરાનના મહત્ત્વના લશ્કરી અને બંદર વિસ્તારોમાં ઘમાસાણ બોમ્બમારો કર્યો છે. ઈરાનના સરકારી મીડિયાના સત્તાવાર અહેવાલો મુજબ, ઈરાનના પરમાણુ પાવર પ્લાન્ટ ધરાવતા શહેર 'બુશેહર' તેમજ દક્ષિણના મુખ્ય બંદરો ચાબહાર, કોનાર્ક, બંદર અબ્બાસ ચાસ્ક અને સિરિકમાં અનેક ભયાનક વિસ્ફોટો નોંધાયા છે.

મંગળવારે ૩ કોમર્શિયલ ટેન્કરો પર હુમલો થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. વિશ્વનું ૧/૫ ભાગનું તેલ અને ગેસ જે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, તેના પર ઈરાનનો દબદબો તોડવા અમેરિકા કટિબદ્ધ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈશારો કર્યો છે કે જો ઈરાન નહીં માને તો તેમના પાવર અને ડીસેલિનેશન પ્લાન્ટ જેવા નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઈરાનના મુખ્ય ઓઇલ એક્સપોર્ટ હબ એવા 'ખાર્ગ ટાપુ' પર સીધો કબજો જમાવવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે કામ જલ્દી પૂરું કરી શકીએ છીએ."

બીજી તરફ ઈરાને પણ ઝૂકવાનો ઇનકાર કર્યો છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં અમેરિકાને સીધી ચેતવણી આપતા લખ્યું છે કે, "અમેરિકા હજુ એ નથી શીખ્યું કે દાદાગીરી અને વચનભંગની કિંમત ચૂકવવી પડે છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું: જો તમે હુમલો કરશો, તો વળતો પ્રહાર ચોક્કસ થશે."

(9:31 AM IST)