તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
અમેરિકા સામે ઈરાનની લાલ આંખ: જો તેહરાન પર હુમલો થશે તો યુરોપમાં પણ એકપણ અમેરિકન સૈન્ય મથક સુરક્ષિત નહીં રહે
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના મહાસચિવ મોહસેન રેજાઈની ખુલ્લી ધમકીથી પશ્ચિમ એશિયામાં ભારે તણાવ, કોઈપણ નવી સૈન્ય કાર્યવાહીનો ઈંટોનો જવાબ પથ્થરથી અપાશે

તેહરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ઈરાન દ્વારા અમેરિકાને અત્યંત આકરી ચેતવણી આપવામાં આવી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના મહાસચિવ મોહસેન રેજાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા દ્વારા ઈરાન પર કોઈ પણ નવો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનો સણસણતો અને ગંભીર જવાબ આપવામાં આવશે. ઈરાને ચેતવણી આપી છે કે તેની જવાબી કાર્યવાહી માત્ર સ્થાનિક સ્તર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ યુરોપ કે અન્ય વિસ્તારોમાં આવેલા અમેરિકાના દૂરના સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવશે.
મોહસેન રેજાઈએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમેરિકા જે મથકોને પોતાની મિસાઈલોની પહોંચથી દૂર માની રહ્યું છે, તેવા તમામ સુરક્ષિત મનાતા અડ્ડાઓ પણ હવે ઈરાનના નિશાન પર રહેશે. આ ઉપરાંત, તેમણે હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈપણ પ્રકારની વાટાઘાટો ચાલી રહી હોવાની તમામ અટકળોને નકારી કાઢી છે. કતાર કે પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા સીધી વાતચીત થઈ રહી હોવાના દાવાઓને ફગાવતા તેમણે જણાવ્યું કે હાલ રાજદ્વારી સ્તરે કોઈ પ્રક્રિયા કાર્યરત નથી.
ઉલ્લેખનીય છે કે ગત ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સૈન્ય સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા હતા, જેના જવાબમાં ઈરાને પણ અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરીને મિડલ ઈસ્ટમાં ભારે હડકંપ મચાવ્યો હતો. આ તણાવના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા અને દરિયાઈ વેપાર પર ગંભીર જોખમો ઉભા થયા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે.
આ વધતા જતા તણાવ અને ઈરાનની આક્રમક ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આગામી સમયમાં જો અમેરિકા કે તેના સહયોગી દેશો દ્વારા કોઈ પગલું ભરવામાં આવશે તો સંઘર્ષ વધુ વકરે તેવી પૂરી શક્યતાઓ છે. વૈશ્વિક શાંતિ જાળવી રાખવા માટે યુએન અને અન્ય વૈશ્વિક નેતાઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
