તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ઈરાનનો અમેરિકા પર આકરો કટાક્ષ: "યુદ્ધમાં ફસાયેલું યુએસ હવે 'આબરૂ બચાવવાનો' રસ્તો શોધી રહ્યું છે"
ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો પૂર્વે રાજકીય ગરમાવો; ઈરાની વિદેશ મંત્રી પાકિસ્તાન પહોંચ્યા, પણ અમેરિકી પ્રતિનિધિઓ સાથે સીધી મુલાકાતનો કર્યો ઈનકાર

ઈસ્લામાબાદ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ અત્યારે જે યુદ્ધમાં 'ફસાઈ' ગયું છે, તેમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે 'ફેસ-સેવિંગ' (આબરૂ બચાવવાનો) રસ્તો શોધી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન બંનેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં હાજર છે, જે સંભવિત શાંતિ વાટાઘાટો તરફ ઈશારો કરે છે.
ઈરાની મીડિયા આઉટલેટ ISNA ના અહેવાલ મુજબ, મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આજે આપણી લશ્કરી શક્તિ એક પ્રબળ શક્તિ છે. દુશ્મન હવે પસ્તાઈ રહ્યો છે અને પોતાની પ્રતિષ્ઠા બચાવીને યુદ્ધમાંથી પીછેહઠ કરવાના માર્ગો શોધી રહ્યો છે." નોંધનીય છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાની અધિકારીઓ સાથે મહત્વની બેઠકો કરવા ઈસ્લામાબાદ પહોંચ્યા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે કોઈ સીધી વાતચીત કરવાના નથી.
મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા:
બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ પાકિસ્તાન પહોંચ્યા છે. વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો હતો કે તેઓ ઈરાની પ્રતિનિધિઓ સાથે 'વાતચીત' કરી શકે છે, પરંતુ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ આ શક્યતાને નકારી કાઢી છે. બકાઈએ જણાવ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સત્તાવાર બેઠકનું આયોજન નથી. ઈરાનના અવલોકનો પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા જ અમેરિકા સુધી પહોંચાડવામાં આવશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આક્રમણ યુદ્ધને સમાપ્ત કરવાનો અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાનો છે.
યુદ્ધના પડઘા અને નૌકાદળની તૈનાતી:
પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત નાજુક છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે યુએસ સૈન્યએ ૨૦૦૩ના ઈરાક યુદ્ધ પછી પહેલીવાર આ પ્રદેશમાં ત્રણ વિમાનવાહક જહાજો (Air Craft Carriers) તૈનાત કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ત્રણેય યુદ્ધ જૂથો પાસે ૨૦૦થી વધુ વિમાન અને ૧૫,૦૦૦ થી વધુ સૈનિકો છે. આટલી મોટી સૈન્ય જમાવટ વચ્ચે ઈરાનનું 'ફેસ-સેવિંગ'વાળું નિવેદન મનોવૈજ્ઞાનિક યુદ્ધનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈસ્લામાબાદ પર ટકેલી છે કે શું ત્યાંથી શાંતિનો કોઈ માર્ગ નીકળશે કે તણાવ વધુ વકરશે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
