<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ઈરાનનો ભયાનક માસ્ટર પ્લાન: સુપ્રીમ લીડર ખામેનીની અંતિમયાત્રા પૂર્વે જ તેહરાનમાં ખોદાઈ હજારો નવી કબરો, ૩,૦૦૦ લોકોના મોતના ડરથી પ્રશાસન હાઈ એલર્ટ પર!

અતિશય ભીડ, આકરી ગરમી અને ઇઝરાયેલના સંભવિત હુમલાની દહેશત વચ્ચે તંત્રએ ગોઠવ્યો કટોકટીનો વ્યૂહ; કાસેમ સુલેમાની અને ખોમેનીના જનાજા જેવી ઐતિહાસિક નાસભાગનું પુનરાવર્તન થવાનો મોટો ભય

તેહરાન : મધ્યપૂર્વના યુદ્ધમાં માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારને લઈને ઈરાનમાંથી એક અત્યંત ચોંકાવનારો અને હૃદય કંપાવી દે તેવો અહેવાલ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં કોઈ નેતાના અવસાન બાદ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાતી હોય છે, પરંતુ ઈરાની સત્તાવાળાઓએ ખામેનીની અંતિમયાત્રા (જનાજા) દરમિયાન આશરે ૧,૫૦૦ થી ૩,૦00 સામાન્ય લોકોના મોત થવાની સત્તાવાર આશંકા વ્યક્ત કરી છે! આ સંભવિત મોટી દુર્ઘટનાને પહોંચી વળવા માટે ઈરાન સરકાર અત્યારથી જ 'ડેડલી ડિઝાસ્ટર પ્લાન' પર કામ કરી રહી છે અને તેહરાનના પ્રખ્યાત 'બેહિશ્ત-એ ઝહરા' કબ્રસ્તાનમાં હજારો નવી કબરો અગાઉથી જ ખોદીને તૈયાર કરી દેવામાં આવી છે.

જર્મન અખબારના અહેવાલથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ

જર્મનીના પ્રતિષ્ઠિત અખબાર "ડાઇ વેલ્ટ" (Die Welt) ના અહેવાલ અનુસાર, ઈરાન સરકારે અંતિમ સંસ્કાર દરમિયાન થનારા સંભવિત મૃત્યુ અને ગુમ થયેલા નાગરિકોની વ્યવસ્થા સંભાળવા માટે એક વિશેષ મિલિટરી યુનિટની રચના કરી છે. તેહરાન મ્યુનિસિપાલિટીના એક ગુપ્ત કર્મચારીએ ઓળખ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે, "અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ૩,૦૦૦ મૃતદેહોના દફન માટે પૂરતી જગ્યા અને તૈયારીઓ એડવાન્સમાં હોવી જોઈએ. લાખો લોકોની ભીડ અને આસમાનમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે ક્યારે શું આફત આવશે, તે કોઈ કહી શકતું નથી."

શનિવારથી તેહરાનથી શરૂ થયેલી આ અંતિમયાત્રા પવિત્ર શહેર કોમ થઈને ઇરાકના નજફ અને કરબલા સુધી જશે અને ગુરુવારે મશહદ શહેરમાં ખામેનીને દફનાવવામાં આવશે, જ્યાં વર્ષોનું સૌથી મોટું લોજિસ્ટિકલ ઓપરેશન હાથ ધરાયું છે. શોકગ્રસ્તો માટે હજારો બસો, કામચલાઉ રસોડા અને મસ્જિદોને આશ્રયસ્થાનમાં ફેરવી દેવાયા છે.

ભૂતકાળના લોહિયાળ ઇતિહાસથી થરથરી રહ્યું છે ઈરાન

ઈરાન દ્વારા અગાઉથી કબરો ખોદવા પાછળનો ડર તેનો પોતાનો લોહિયાળ ઈતિહાસ છે. વર્ષ ૨૦૨૦ માં જ્યારે કુખ્યાત કમાન્ડર કાસેમ સુલેમાનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે કેરમાન શહેરમાં થયેલી ભયંકર નાસભાગમાં ૫૬ લોકોના કચડાઈ જવાથી મોત થયા હતા. તે પહેલાં ૧૯૮૯ માં આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનીના જનાજા વખતે પણ અરાજકતા ફાટી નીકળતાં ૮ લોકોના મોત થયા હતા અને સેંકડો ઘવાયા હતા. આ વખતે ભીડ દસ ગણી વધુ હોવાથી તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી.

ઇઝરાયેલી એર સ્ટ્રાઈક અને અંદરના બળવાખોરોનો બેવડો ખતરો

ભીડના આકસ્મિક મૃત્યુ ઉપરાંત ઈરાની આર્મી (IRGC) ને સૌથી મોટો ડર ઇઝરાયેલના હવાઈ હુમલાનો છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્સના એક નિવેદન બાદ ખળભળાટ મચ્યો છે, જેમાં કહેવાયું છે કે ખામેનીના ઉત્તરાધિકારી મોજતબા ખામેની પણ હવે ઇઝરાયેલના હિટલિસ્ટ પર છે.

આ સિવાય ઈરાનને દેશની અંદર સક્રિય કુર્દિશ આતંકવાદીઓ, આરબ અને બલૂચ અલગતાવાદીઓ તેમજ દેશનિકાલ કરાયેલા જૂથ 'મુજાહિદ્દીન-એ-ખલ્ક' (MEK) તરફથી મોટા આત્મઘાતી હુમલાની ધમકી મળી છે. જોકે, આ ભયાનક જોખમો છતાં ઈરાની સેનાના વડા અહમદ વાહિદી સહિતના ટોચના કમાન્ડરો જનાજામાં સામેલ થવાના છે, જે દર્શાવે છે કે ઈરાન આ વૈશ્વિક સંકટ વચ્ચે પણ પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે મરણશરણ થવા તૈયાર છે.

(11:45 PM IST)