<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

જો ટૂંક સમયમાં શાંતિ કરાર નહીં થાય તો ઈરાનનો ‘ખૂબ જ ખરાબ સમય’ શરૂ થશે - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી

વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ગંભીર અવિશ્વાસને કારણે શાંતિ વાટાઘાટો ધીમી પડી : યુદ્ધવિરામ છતાં લેબનોન પર ઇઝરાયેલના સઘન હવાઈ હુમલા : નવથી વધુ ગામો ખાલી કરાવાતા હજારો નાગરિકોનું વિસ્થાપન

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે શાંતિ કરાર ન થયા તો ઈરાનને ‘ખૂબ જ ખરાબ સમય’ નો સામનો કરવો પડશે. ફ્રેન્ચ ન્યૂઝ ચેનલ બીએફએમટીવી (BFMTV) ને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કરાર સુધી પહોંચવામાં જ ઈરાનનું હિત રહેલું છે. બીજી તરફ, તેહરાન દ્વારા એવું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે વોશિંગ્ટન સાથેના ઊંડા અવિશ્વાસને કારણે વાટાઘાટોની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે.

 

પાકિસ્તાનની મધ્યસ્થતા વચ્ચે ઈરાનનો અમેરિકા પર અવિશ્વાસ:

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ નવી દિલ્હીથી સત્તાવાર નિવેદન આપતા સ્વીકાર્યું હતું કે, તેમને ટ્રમ્પ પ્રશાસન તરફથી વાટાઘાટો ચાલુ રાખવાની ઈચ્છા દર્શાવતા સંદેશા મળ્યા છે, પરંતુ અમેરિકાના ઈરાદાઓ પ્રત્યે ભારે અવિશ્વાસ પ્રવર્તી રહ્યો છે. અમેરિકા તરફથી મળતા વિરોધાભાસી સંકેતોને કારણે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી આ શાંતિ વાટાઘાટો જટિલ બની ગઈ છે. ઈરાને આ મામલે ચીન જેવા દેશોના રાજદ્વારી સમર્થનને આવકાર્યું છે અને પ્રાદેશિક શાંતિ તેમજ સ્થિરતા વધારવા માટે ભારતને પણ મોટી ભૂમિકા ભજવવા અપીલ કરી છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ પરમાણુ કાર્યક્રમ સંબંધિત વાટાઘાટો દરમિયાન અમેરિકાએ બે વાર ઈરાન પર હુમલો કર્યો હતો, જેના કારણે આ ગતિરોધ સર્જાયો છે.

 

બીજી તરફ, ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગલીબાફે સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટને તેહરાનના શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર કરવો જ પડશે, અન્યથા તેમણે નિષ્ફળતાનો સામનો કરવો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના વળતા પ્રસ્તાવને ફગાવી દઈને યુદ્ધવિરામ મુશ્કેલીમાં હોવાનું જણાવ્યું હતું, જેના જવાબમાં ગલીબાફે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ૧૪ મુદ્દાના પ્રસ્તાવમાં દર્શાવ્યા મુજબ ઈરાનના લોકોના અધિકારો સ્વીકારવા સિવાય અમેરિકા પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

 

યુદ્ધવિરામ લંબાવાયો હોવા છતાં ઇઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા:

આ રાજકીય ગરમાવા વચ્ચે, ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે શુક્રવારે જ યુદ્ધવિરામ અવધિ ૪૫ દિવસ માટે લંબાવવામાં આવી હોવા છતાં, ઇઝરાયેલી સેનાએ શનિવારે દક્ષિણ લેબનોનમાં વ્યાપક હવાઈ હુમલા શરૂ રાખ્યા હતા. લેબનોનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, સરહદથી ૫૦ કિલોમીટર દૂર આવેલા વિસ્તારો સહિત ૨૪ થી વધુ ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર આ હુમલા હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા અને હુમલાની શરૂઆત પહેલા ૯ ગામો માટે ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે આ ભયાનક બોમ્બમારોથી બચવા માટે નાગરિકો સિદોન અને બેરૂત તરફ પલાયન કરી રહ્યા છે.

 

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુદ્ધવિરામ લંબાવવાના નિર્ણયને આવકાર્યો હતો અને તમામ પક્ષોને દુશ્મનાવટનો સંપૂર્ણ અંત લાવવા આગ્રહ કર્યો હતો. આમ છતાં, ઇઝરાયેલી દળો સરહદ નજીક ઓપરેશન ચલાવી રહ્યા છે, જ્યારે હિઝબુલ્લાહે પણ શનિવારે ખિયામ શહેરમાં ઇઝરાયેલી સૈનિકો અને ઉત્તરી ઇઝરાયેલ પર વારંવાર હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. લેબનોનના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઇઝરાયેલી હુમલામાં ૨,૯૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછીના ૪૦૦ લોકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઇઝરાયેલે હિઝબુલ્લાહ સાથેની અથડામણમાં પોતાના ૧૯ સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાહે અમેરિકા સમર્થિત સુરક્ષા વ્યવસ્થાની આકરી ટીકા કરતા તેને લેબનોન સરકાર દ્વારા ઇઝરાયેલને આપવામાં આવેલી મફત રાહત ગણાવી છે, જ્યારે વિસ્થાપિત સ્થાનિક નાગરિકોએ પણ આ નકલી યુદ્ધવિરામ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

(11:39 PM IST)