તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
IRCTC દ્વારા ધામ્રિક પ્રવાસને પ્રોત્સાહન આપવા નવું વિશેષ ઓકેઝ ‘ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર’ લોન્ચ
11 દિવસની રેલ આધારિત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સફર શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના અગ્રણી તીર્થસ્થળો અને ઐતિહાસિક ધરોહરોના દર્શન કરાવશે.

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ‘ભારત ગૌરવ ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેન’ પર આધારિત એક નવું વિશેષ પેકેજ ‘ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર’ લોન્ચ કર્યું છે. આ 11 દિવસની રેલ આધારિત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સફર શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના અગ્રણી તીર્થસ્થળો અને ઐતિહાસિક ધરોહરોના દર્શન કરાવશે.
આ વિશેષ ટ્રેન 25 સપ્ટેમ્બર 2026 ના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે અને 5 ઓક્ટોબર 2026 ના રોજ પરત દિલ્હી પહોંચશે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ વારાણસી, પુરી, કોણાર્ક, ચિલિકા, ભુવનેશ્વર, કોલકાતા, ગંગાસાગર અને વૈદ્યનાથ ધામ (દેવઘર) જેવા અગ્રણી ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.
યાત્રાની શરૂઆત વારાણસીથી થશે, જ્યાં શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન અને વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીનો દિવ્ય અનુભવ પ્રાપ્ત કરશે. આ પછી ટ્રેન ઓડિશા પહોંચશે, જ્યાં શ્રી જગન્નાથ મંદિર, પુરીના દર્શનની સાથે-સાથે કોણાર્ક સૂર્ય મંદિર (યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ), ચિલિકા તળાવ, ધૌલી શાંતિ સ્તૂપ, ઉદયગિરી-ખંડગિરી ગુફાઓ અને ભુવનેશ્વરના અગ્રણી મંદિરોનો પ્રવાસ કરાવવામાં આવશે.
ત્યારબાદ યાત્રા પશ્ચિમ બંગાળની સાંસ્કૃતિક રાજધાની કોલકાતા પહોંચશે. અહીં પ્રવાસીઓ વિક્ટોરિયા મેમોરિયલ, હુગલી નદી પર સનસેટ ક્રૂઝ, ઐતિહાસિક હાવડા બ્રિજ અને વિદ્યાસાગર સેતુનો મનોરમ્ય નજારો જોઈ શકશે. સાથે જ કાલીઘાટ મંદિર, દક્ષિણેશ્વર કાલી મંદિર અને બેલુર મઠના દર્શન પણ આ પેકેજનો એક ભાગ છે.
આ યાત્રાનું સૌથી વિશેષ આકર્ષણ ગંગાસાગર છે, જ્યાં શ્રદ્ધાળુઓ સાગર સંગમમાં પવિત્ર સ્નાન અને કપિલ મુનિ મંદિરમાં દર્શન કરશે. આ પછી અંતિમ પડાવ ઝારખંડના દેવઘર સ્થિત વૈદ્યનાથ ધામ હશે, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં દર્શન કર્યા બાદ ટ્રેન દિલ્હી પરત ફરશે.
IRCTC ના જણાવ્યા અનુસાર આ પેકેજ ધાર્મિક આસ્થા અને પ્રવાસનનો સંતુલિત સંગમ છે. ટ્રેનમાં એસી પ્રથમ, એસી દ્વિતીય અને એસી તૃતીય શ્રેણીના આધુનિક કોચ, સ્વચ્છ શાકાહારી ભોજન, પ્રશિક્ષિત ટૂર મેનેજર, સુરક્ષા વ્યવસ્થા અને આરામદાયક મુસાફરીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઓલ-ઇનક્લુસિવ પેકેજની કિંમત એસી ફર્સ્ટ ક્લાસ માટે 1,13,530 રૂપિયા, એસી ટુ માટે 1,06,145 રૂપિયા અને એસી થ્રી માટે 91,370 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. શુલ્કમાં ટ્રેન પ્રવાસ, 3-સ્ટાર હોટેલમાં રોકાવાની વ્યવસ્થા, શુદ્ધ શાકાહારી ભોજન, એસી વાહનોથી સ્થાનિક પ્રવાસ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને IRCTC ટૂર મેનેજરની સેવાઓ સામેલ છે.
IRCTC એ જણાવ્યું કે ‘ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર’નું બુકિંગ તેના પ્રવાસન પોર્ટલ અને દેશભરના અધિકૃત IRCTC પ્રવાસન કાર્યાલયોના માધ્યમથી શરૂ થઈ ચૂક્યું છે. આ પેકેજ એવા શ્રદ્ધાળુઓ અને મુસાફરો માટે ખાસ તક છે, જેઓ એક જ યાત્રામાં પૂર્વ ભારતના અગ્રણી ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક વિરાસત અને પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરવા ઈચ્છે છે
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
