તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ક્રિસમસ પૂર્વે આયર્લેન્ડનો પ્રવાસીઓ માટે મોટો નિર્ણય: યુકે વિઝા-લિંક્ડ ટ્રાવેલ વેઇવર પ્રોગ્રામની મુદતમાં વધારો
ભારત સહિતના લાયક દેશોના નાગરિકો અલગ આઇરિશ વિઝા મેળવ્યા વિના જ કરી શકશે મુસાફરી, ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી મળશે આ ખાસ છૂટનો લાભ

નવી દિલ્હી, તા.૧૩: ક્રિસમસ અને વર્ષના અંતની રજાઓ પૂર્વે આયર્લેન્ડ સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મોટી ભેટ આપતા 'શોર્ટ-સ્ટે વિઝા વેઇવર પ્રોગ્રામ'ની સમયમર્યાદા લંબાવીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, આ યોજના હેઠળ ભારત સહિત એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ અમેરિકાના લાયક દેશોના નાગરિકો માન્ય યુકે શોર્ટ-સ્ટે વિઝાના આધારે અલગ આઇરિશ વિઝા લીધા વિના જ આયર્લેન્ડની મુલાકાત લઈ શકશે.
નિયમો મુજબ આ છૂટનો લાભ લેવા માટે પ્રવાસીઓએ આયર્લેન્ડ જતાં પહેલાં પોતાના યુકેના ટૂંકા રોકાણ વિઝાનો ઉપયોગ કરીને યુકેમાં પ્રવેશ કરવો ફરજિયાત રહેશે, જ્યારે માત્ર એરપોર્ટ પરથી ટ્રાન્ઝિટ કરનારા મુસાફરો આ સુવિધા માટે પાત્ર ગણાશે નહીં.
આ યોજના અંતર્ગત લાયક મુસાફરો આયર્લેન્ડમાં મહત્તમ ૯૦ દિવસ અથવા તેમની યુકે પરવાનગીનો બાકી રહેલો સમયગાળો, જે પણ ઓછો હોય તેટલો સમય રોકાણ કરી શકશે, જોકે અંતિમ પ્રવેશ મંજૂરી બંદર પરના ઇમિગ્રેશન અધિકારીઓના વિવેકબુદ્ધિને આધીન રહેશે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અગાઉ ૩૧ ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ અને વેપારીઓ માટે મુસાફરીની તકો વધારવાના હેતુથી સરકારે તેને વધુ સમય માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં યુકે અને આયર્લેન્ડના પ્રવાસનું આયોજન કરી રહેલા હજારો ભારતીય પ્રવાસીઓના સમય અને વિઝા ખર્ચમાં મોટી બચત થશે, જેનાથી બંને દેશો વચ્ચેના પ્રવાસન ક્ષેત્રને નવો વેગ મળશે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
