તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
હોર્મુઝનો ખેલ ખતમ? અમેરિકાથી પરેશાન બે દેશોએ ખોલ્યો નવો 'તેલ માર્ગ': દુનિયાને મળશે મોટી રાહત
ઈરાક અને સીરિયાએ દાયકાઓથી બંધ 'રાબિયા-યેરુબિયા' બોર્ડર ખોલીને અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે માસ્ટરસ્ટ્રોક લગાવ્યો: દરિયાઈ નાકાબંધી વચ્ચે જમીની રસ્તો તેલ પુરવઠા માટે નવી જીવનરેખા બનશે

તેહરાન: વિશ્વ જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) પરના સંભવિત તેલ સંકટથી ફફડી રહ્યું છે, ત્યારે ઈરાક અને સીરિયાએ એક અત્યંત વ્યૂહાત્મક નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. અમેરિકાના વર્ષોના આર્થિક પ્રતિબંધો અને આંતરિક સંઘર્ષોથી પીડાતા આ બંને દેશોએ દાયકાઓથી બંધ પડેલો 'રાબિયા-યેરુબિયા' સરહદી માર્ગ ફરીથી ખોલી દીધો છે. આ માર્ગ માત્ર બે દેશોને જોડતો રસ્તો નથી, પરંતુ તે વૈશ્વિક તેલ બજાર માટે એક એવો 'એક્ઝિટ ડોર' છે જે હોર્મુઝના ખતરનાક દરિયાઈ માર્ગ પરની નિર્ભરતા ઘટાડી શકે છે. ૨૦૧૧ના સીરિયન ગૃહયુદ્ધ અને ત્યારબાદ ISISના કબજાને કારણે આ રસ્તો બંધ હતો, જે હવે ફરી ધમધમતો થશે.
વર્તમાન સંજોગોમાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર નાકાબંધી કરીને પશ્ચિમી દેશોના તેલ ટેન્કરો માટે મુશ્કેલી ઉભી કરી છે. વિશ્વનો લગભગ ૨૫% તેલ પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડની ચેતવણી બાદ સેંકડો જહાજો મધદરિયે ફસાયેલા છે. આવા સમયે ઈરાક-સીરિયાનો આ જમીની માર્ગ તેલ અને માલસામાનના પરિવહન માટે સુરક્ષિત વિકલ્પ પૂરો પાડશે. સીરિયન અધિકારીઓના મતે, આ ક્રોસિંગ વેપાર વિનિમય અને તેલ પરિવહન માટે એક 'મહા-પ્રવેશદ્વાર' સાબિત થશે, જે યુદ્ધની સ્થિતિમાં પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવા દેશે નહીં.
રસપ્રદ વાત એ છે કે, જે બે દેશોને અમેરિકાએ વર્ષો સુધી રાજકીય અને આર્થિક રીતે દબાવવાનો પ્રયાસ કર્યો, તે જ હવે તેલ સંકટ ઉકેલવા માટે 'હીરો' બનીને ઉભર્યા છે. ૨૦૦૩ના યુએસ આક્રમણ બાદ ઈરાકની હાલત કફોડી થઈ હતી, જ્યારે સીરિયા પણ અમેરિકી હસ્તક્ષેપને કારણે પાયમાલ થયું હતું. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ છે, ત્યારે આ નવો તેલ માર્ગ અમેરિકાની દરિયાઈ રણનીતિને નબળી પાડી શકે છે. જો આ 'તેલ જીવનરેખા' સફળ રહેશે, તો ભવિષ્યમાં હોર્મુઝ જેવી નાજુક જગ્યાઓ પર વિશ્વની નિર્ભરતા હંમેશા માટે ઘટી શકે છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
