<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

જમણી કે ડાબી આંખ ફરકવી શુભ કે અશુભ? સમુદ્રશાસ્ત્રમાં પુરુષો અને મહિલાઓ માટે જુદા જુદા સંકેત

પરંપરાગત માન્યતાઓ મુજબ આંખ અને પાંપણ ફરકવાના અર્થ અલગ-અલગ હોય છે; જોકે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી

નવી દિલ્હી, તા.25: અચાનક આંખની પાંપણ ફરકવાની ઘટનાને સામાન્ય રીતે શારીરિક પ્રક્રિયા ગણવામાં આવે છે, પરંતુ ભારતીય પરંપરા અને સમુદ્રશાસ્ત્રમાં તેને શુભ-અશુભ સંકેતો સાથે જોડીને પુરુષો તથા મહિલાઓ માટે અલગ-અલગ અર્થ દર્શાવવામાં આવ્યા છે.

સમુદ્રશાસ્ત્રની માન્યતા મુજબ પુરુષોની જમણી આંખ ફરકવી શુભ ગણાય છે, જે કારકિર્દીમાં પ્રગતિ, ધનલાભ, અટકેલાં કામ પૂર્ણ થવા અને સારા સમાચાર મળવાના સંકેત રૂપે જોવામાં આવે છે, જ્યારે મહિલાઓની જમણી આંખ ફરકવી કામમાં અવરોધ, પારિવારિક તણાવ કે મતભેદનો સંકેત મનાય છે.

બીજી તરફ પરંપરાગત માન્યતાઓ અનુસાર મહિલાઓની ડાબી આંખ ફરકવી શુભ સંકેત છે, જે જીવનમાં ખુશીઓ આવવા, આર્થિક સ્થિતિ સુધરવા અને મનોકામના પૂર્ણ થવા સાથે જોડાય છે, જ્યારે પુરુષોની ડાબી આંખ ફરકવી કેટલીક માન્યતાઓમાં કામકાજમાં મુશ્કેલી કે પરેશાની વધવાનો સંકેત ગણવામાં આવે છે.

સમુદ્રશાસ્ત્રમાં જમણી કે ડાબી આંખ ઉપરાંત ઉપરની અને નીચેની પાંપણ ફરકવાના પણ અલગ અર્થ સમજાવાયા છે, જેમાં ઉપરની પાંપણ ફરકવી સારા સમાચાર કે સકારાત્મક ઘટના બનવાનો સંકેત અને નીચેની પાંપણ ફરકવી ચિંતા, મુશ્કેલી કે ભાવનાત્મક ઉતાર-ચઢાવ સાથે જોડવામાં આવે છે.

આ તમામ બાબતો ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત હોવાથી તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, તેથી માત્ર આંખ ફરકવાને કોઈ અનિચ્છનીય ઘટના સાથે જોડીને બિનજરૂરી ભય રાખવાની જરૂર નથી.

લાંબા સમયથી ચાલી આવતી આ પરંપરાગત માન્યતાઓથી વિપરીત, જો કોઈ વ્યક્તિને સતત આંખ ફરકવાની સમસ્યા રહેતી હોય તો તેને અવગણવાને બદલે યોગ્ય તબીબી સલાહ લેવી હિતાવહ છે.

(4:35 PM IST)