<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

શું હવે વૉટ્સએપનો વારો છે?" : "ટેલિગ્રામ પર પ્રતિબંધ એ માત્ર ઢોંગ: નીટ પુનઃપરીક્ષા પહેલાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર સણસણતો પ્રહાર

પેપર લીક રોકવાના બહાને ટેલિગ્રામ એપ પર લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધ સામે રાજકીય તોફાન ; રાહુલ ગાંધીએ સરકારના આ પગલાને 'કપટી' ગણાવીને કહ્યું કે દેખાડો કરવાને બદલે સિસ્ટમમાં બેઠેલા અસલી પેપર લીક માફિયાઓ પર કડક કાર્યવાહી કરો

નવી દિલ્હી:  દેશમાં આગામી ૨૧ જૂને તબીબી પ્રવેશ પરીક્ષા 'નીટ' (NEET) ની હાઈ-પ્રોફાઈલ પુનઃપરીક્ષા યોજાવા જઈ રહી છે, પરંતુ તે પૂર્વે જ કેન્દ્ર સરકાર દ્વારા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ  પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી દેશભરમાં ભારે રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. પેપર લીકની ઘટનાઓ રોકવા માટે લેવાયેલા આ કદમ સામે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મોરચો ખોલ્યો છે. રાહુલ ગાંધીએ સરકારની આ વ્યુહરચનાને અત્યંત નકામી અને 'કપટી' ગણાવતા સણસણતો સવાલ પૂછ્યો છે કે, "જો પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવો એ જ સરકારનો ઉકેલ હોય, તો શું ટેલિગ્રામ પછી હવે વૉટ્સએપ  પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે?"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશભરના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વર્ષોથી પોતાના અભ્યાસ, શૈક્ષણિક નોંધો (નોટ્સ) શેર કરવા, મોક ટેસ્ટ સિરીઝ અને ગ્રુપ ડિસ્કશન માટે ડિજિટલ માધ્યમ તરીકે ટેલિગ્રામનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પાસેથી આ મહત્ત્વની સુવિધા છીનવી લેવી એ પેપર લીક જેવી ગંભીર બીમારીનો કોઈ ઈલાજ નથી. આ પ્રતિબંધ કોઈ ફૂલપ્રૂફ સોલ્યુશન નથી અને દેશનો સામાન્ય વિદ્યાર્થી તેમજ પેપર લીક કરનારા માફિયાઓ આ સત્ય બહુ સારી રીતે જાણે છે. સરકાર માત્ર ડિજિટલ પ્લેટફોર્મ્સને નિશાન બનાવીને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન પરીક્ષા પ્રણાલી પર આકરા પ્રહારો કરતા રાહુલે ટ્વીટ કર્યું કે, "પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓના ખિસ્સા કાતરથી કાપવામાં આવશે, પ્રશ્નપત્રો વાયુસેના (એરફોર્સ) ના વિમાનો દ્વારા મોકલવામાં આવશે - દેશમાં આવા દેખાડા અને તૂતની કોઈ કમી જોવા નહીં મળે. પરંતુ જે સમસ્યાનું વાસ્તવિક મૂળ છે, તેને પકડવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે કારણ કે આ ભ્રષ્ટ સરકારી સિસ્ટમની દેખરેખ હેઠળ જ પેપર લીક માફિયાઓ ફૂલીફાલી રહ્યા છે." તેમણે કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું કે સરકારે હવે આ બધો ઢોંગ બંધ કરવો જોઈએ અને માસૂમ વિદ્યાર્થીઓને પરેશાન કરવાને બદલે શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરનારા અસલી ગુનેગારો વિરુદ્ધ કડક અને કાયદાકીય કદમ ઉઠાવવા જોઈએ.

(10:17 PM IST)