<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

લોકશાહીની સુરક્ષા કે કાયદાથી પર? મુખ્ય ચૂંટણી કમિશનરની કાનૂની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

ફરજ દરમિયાન લેવાયેલા નિર્ણયો સામે કાનૂની સજાથી મળતી ‘સંપૂર્ણ મુક્તિ’ના કાયદાને કોર્ટમાં સખત પડકાર : સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો

નવી દિલ્હી:  દેશની લોકશાહી પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની પારદર્શિતા પર સીધી અસર પાડતી એક અત્યંત મહત્વપૂર્ણ અને સનસનાટીભર્યા કાનૂની લડાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર  અને અન્ય ચૂંટણી કમિશનરોને તેમની સેવાઓ અને કાર્યો દરમિયાન લીધેલા નિર્ણયો સામે કોઈપણ કાનૂની કાર્યવાહીથી આપવામાં આવેલી ‘સંપૂર્ણ મુક્તિ’ ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે દેશના રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે.

પ્રસિદ્ધ વકીલ અને સામાજિક કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં દાવો કરાયો છે કે બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓને કાયદાકીય કાર્યવાહીમાંથી આવી આત્યંતિક છૂટ આપવી તે જવાબદેહીના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. આ અરજીની પ્રારંભિક સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહન્નાની બનેલી ખંડપીઠે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આ કાયદાકીય જોગવાઈઓ અંગે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ  બંનેને નોટિસ ફટકારીને સત્તાવાર જવાબ તલબ કર્યો છે.

આ નિર્ણયથી ચૂંટણી પંચની સત્તા, જવાબદેહી અને કાયદાની સમક્ષ સમાનતાના અધિકાર અંગે દેશભરમાં એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. જો અદાલત આ મુક્તિને રદ અથવા મર્યાદિત કરવાનો નિર્ણય લેશે, તો ભવિષ્યમાં ચૂંટણી પંચ દ્વારા લેવાતા વિવાદાસ્પદ નિર્ણયો અને સંભવિત ગેરરીતિઓ પર કાનૂની લગામ કસી શકાશે. હાલમાં સુપ્રીમ કોર્ટના આ આકરા વલણ બાદ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ કોર્ટ સમક્ષ પોતાનો શું બચાવ રજૂ કરે છે તેના પર આખા દેશની નજર ટકેલી છે.

(9:49 PM IST)