<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સુદાનના ભયાનક ગૃહયુદ્ધ પાછળ અમેરિકી કનેક્શન? યુએસ આર્મીના પૂર્વ કમાન્ડો અને બોઇંગ વિમાનોના ગુપ્ત સપ્લાય નેટવર્કનો તપાસમાં પર્દાફાશ!

નરસંહારના આરોપી અર્ધલશ્કરી દળ (RSF) ને હથિયારો અને ભાડૂતી સૈનિકો પહોંચાડવા અમેરિકી કરદાતાઓના કરોડો ડોલર મેળવનારી કંપનીના જૂના બોઇંગ જેટ્સનો ઉપયોગ થતો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો.

વોશિંગ્ટન : આફ્રિકન દેશ સુદાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા લોહિયાળ ગૃહયુદ્ધ અને નરસંહારની પાછળ એક એવું ગુપ્ત આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું છે જેના તાર સીધા અમેરિકા સાથે જોડાયેલા છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા કરવામાં આવેલી એક ચોંકાવનારી તપાસમાં બહાર આવ્યું છે કે, યુએસ આર્મીના સ્પેશિયલ ફોર્સિસના એક નિવૃત્ત જવાન અને અમેરિકી સરકારના મોટા લશ્કરી કોન્ટ્રાક્ટરની કંપનીઓ સુદાનના એ અર્ધલશ્કરી દળ (RSF - Rapid Support Forces) ને મદદ કરી રહી છે, જેના પર દારફુર ક્ષેત્રમાં ભયાનક વંશીય સફાયો અને અત્યાચારો કરવાનો આંતરરાષ્ટ્રીય આરોપ છે.

આ ગુપ્ત ઓપરેશનના કેન્દ્રમાં ૬૩ વર્ષીય અમેરિકી સૈન્યના અનુભવી સ્ટીવન શૌલિસ છે. બહારની દુનિયા માટે શૌલિસ સિંગાપોર સ્થિત CADG કંપનીના વડા છે, જેણે છેલ્લા ૨૦ વર્ષમાં યુએસ સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અફઘાનિસ્તાન, ઇરાક અને કેન્યા જેવા દેશોમાં લશ્કરી તેમજ માળખાગત સુવિધાઓના મોટા કોન્ટ્રાક્ટ રાખીને અમેરિકન કરદાતાઓ પાસેથી ઓછામાં ઓછા $૪૧૯ મિલિયન (અંદાજે કરોડો રૂપિયા) કમાયા છે. પરંતુ પડદા પાછળ, શૌલિસના નિયંત્રણ હેઠળની કંપનીઓએ ઓછામાં ઓછા ત્રણ જૂના બોઇંગ વિમાનો (બોઇંગ ૭૩૭ અને ૭૨૭) ખરીદીને તેનો ઉપયોગ સુદાનના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધિત અર્ધલશ્કરી જૂથના લોજિસ્ટિક્સ અને સપ્લાય હબ માટે કર્યો હોવાના પુરાવા મળ્યા છે.

આ આખા નેટવર્કનો ખુલાસો મે ૨૦૨૫ માં થયો, જ્યારે સુદાનની સત્તાવાર સેનાએ દારફુરમાં RSF ના ગઢ ગણાતા ન્યાલા એરપોર્ટ પર એક રહસ્યમય બોઇંગ ૭૩૭ વિમાનને હવાઈ હુમલામાં તોડી પાડ્યું હતું. આ હુમલામાં ૫૪ લોકો માર્યા ગયા હતા, જેમાંથી ૫૧ RSF ના લડવૈયાઓ અને કમાન્ડરો હતા. રોઇટર્સ દ્વારા મેળવાયેલા કોર્પોરેટ અને રોજગાર રેકોર્ડ્સ દર્શાવે છે કે આ વિમાનના પાયલોટ અને ગ્રાઉન્ડ એન્જિનિયર ઓક્સિડેન્ટલ સપોર્ટ સર્વિસીસ નામની કંપનીમાં નોકરી કરતા હતા, જે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં નોંધાયેલી છે અને તેની સંપૂર્ણ માલિકી સ્ટીવન શૌલિસની છે. માર્યા ગયેલા પાઇલોટ્સને યુદ્ધગ્રસ્ત અને જોખમી વિસ્તારમાં ફ્લાઇટ લેન્ડ કરવા માટે રોજના $૨૦૦ ઉપરાંત $૧,૦૦૦ સુધીનું બોનસ ચૂકવવામાં આવતું હતું.

સેટેલાઇટ ઈમેજરી અને ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, આ નેટવર્કે બ્રાઝિલ અને અમેરિકાની કંપનીઓ પાસેથી જૂના થઈ ગયેલા બોઇંગ ૭૨૭ વિમાનો ખરીદ્યા હતા. આ વિમાનો ચાડની રાજધાની એન'જામેના એરપોર્ટના હાઈ-સિક્યોરિટી મિલિટરી ઝોનમાં પાર્ક થતા હતા અને ત્યાંથી લિબિયાના કુફ્રાહ રણ વિસ્તાર અને સોમાલિયાના બોસાસો એર હબ થઈને સુદાનના બળવાખોરોના પ્રદેશમાં ઈંધણ, હથિયારો અને વિદેશી ભાડૂતી સૈનિકો પહોંચાડતા હતા. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ અગાઉ જ RSF ના ટોચના કમાન્ડરો અને તેમને મદદ કરતી બે ડઝન કંપનીઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદેલા છે, તેમ છતાં એક અમેરિકી સૈન્ય કોન્ટ્રાક્ટરની કંપનીઓ દ્વારા આ પ્રકારે સપ્લાય લાઇન ચલાવવી એ વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બની ગઈ છે.

(8:55 PM IST)